લઘુ ઉદ્યોગ દિવસ: ગુજરાતમાં પાંચ વર્ષમાં 86,418 કરોડ રૂ.નું રોકાણ
Live TV
-
લઘુ ઉદ્યોગ દિવસ: ગુજરાતમાં પાંચ વર્ષમાં 86,418 કરોડ રૂ.નું રોકાણ
ભારતમાં દર વર્ષે 30 ઓગસ્ટના રોજ ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, જે લઘુ ઉદ્યોગોના મહત્ત્વ અને દેશના આર્થિક વિકાસમાં તેમના યોગદાનને ઉજાગર કરે છે. આ સંદર્ભમાં, ગુજરાત સરકારે આ ક્ષેત્રમાં કરેલી પ્રગતિના આંકડા રજૂ કર્યા છે, જે દર્શાવે છે કે રાજ્ય દેશમાં લઘુ ઉદ્યોગના વિકાસમાં અગ્રેસર છે.
છેલ્લાં પાંચ વર્ષની સિદ્ધિઓ
છેલ્લાં પાંચ વર્ષ (2021-25) દરમિયાન, ગુજરાતમાં લઘુ ઉદ્યોગોમાં અંદાજે ₹86418 કરોડનું મૂડી રોકાણ થયું છે, જેનાથી 3.98 લાખથી વધુ રોજગારીનું સર્જન થયું છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે 1.69 લાખથી વધુ ક્લેઈમ અરજીઓ હેઠળ ₹7300 કરોડથી વધુની સહાય પણ ઉદ્યોગોને પૂરી પાડી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, ગુજરાત સરકારે નાણાકીય સહાય, તાલીમ અને માર્કેટિંગ સપોર્ટ જેવી અનેક પહેલ દ્વારા ઉદ્યોગ સાહસિકો માટે અનુકૂળ વાતાવરણ બનાવ્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં જ રાજ્યમાં ₹42774 કરોડથી વધુનું રોકાણ થયું છે, જેનાથી 1.65 લાખ કરતાં વધુ નવી રોજગારીનું સર્જન થયું છે. આ સમયગાળામાં 21000 થી વધુ એકમોને ₹958 કરોડની નાણાકીય સહાય પણ આપવામાં આવી છે.
‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’માં ગુજરાત અગ્રેસર
કેન્દ્ર સરકારની ‘ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ’ (ZED) પહેલ અંતર્ગત, ગુજરાતમાં અંદાજે 1.10 લાખ MSME એકમોનું રજિસ્ટ્રેશન થયું છે, જેમાંથી 66000થી વધુ એકમોને ZED પ્રમાણપત્ર મળ્યું છે. આ આંકડા સાથે ગુજરાત આ યોજનામાં દેશભરમાં મોખરે રહ્યું છે. આ ઉપરાંત, છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યમાં 17.39 લાખ ઉદ્યમ રજિસ્ટ્રેશનની નોંધણી થઈ છે, જેમાં 2.91લાખથી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકોની ભાગીદારી નોંધાઈ છે.
અન્ય મહત્ત્વપૂર્ણ પહેલ
ક્લસ્ટર અને માર્કેટિંગ સહાય: રાજ્ય સરકારે ક્લસ્ટર વિકાસ માટે ₹4.5 કરોડ અને માર્કેટિંગ ડેવલપમેન્ટ માટે 1511 એકમોને ₹26.38 કરોડની સહાય સહિત કુલ ₹30 કરોડથી વધુનું ચૂકવણું કર્યું છે.
પેમેન્ટ વિલંબ: વિલંબિત પેમેન્ટના કેસોના ઝડપી નિકાલ માટે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા અને કચ્છમાં 6 Regional MSEFC કાઉન્સિલની રચના કરવામાં આવી છે.
વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ: વર્ષ 2023માં યોજાયેલા આ મહોત્સવમાં 2.70 લાખથી વધુ નાગરિકોએ ભાગ લીધો અને 2600 થી વધુ ઉદ્યોગ એકમોએ MoU પર હસ્તાક્ષર કર્યા.
આ તમામ પ્રયાસો દર્શાવે છે કે ગુજરાત સરકાર લઘુ ઉદ્યોગોને માત્ર આર્થિક મદદ જ નહીં, પરંતુ તેમને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે પણ પ્રતિબદ્ધ છે.
