Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026: ભારત એક ગાથા થીમ સાથે ભવ્ય આયોજન

Live TV

X
  • “ભારત એક ગાથા” થીમ સાથે ફૂલો દ્વારા ભારતની સંસ્કૃતિ અને પ્રગતિની ભવ્ય રજૂઆત

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 14મો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો–2026 આ વર્ષે “ભારત એક ગાથા” થીમ સાથે યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય ફ્લાવર શો 1 જાન્યુઆરી 2026થી 22 જાન્યુઆરી 2026 સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલા ફ્લાવર ગાર્ડન તેમજ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે યોજાશે. ફ્લાવર શોનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે “સ્ત્રી સશક્તિકરણ” થીમ પર તૈયાર કરાયેલ વિશિષ્ટ સ્કલ્પચરનું પણ અનાવરણ કરવામાં આવશે.

    ફૂલોથી સજાતી ભારતની સમયયાત્રા

    આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નહીં, પરંતુ ભારતની પ્રાચીન સંસ્કૃતિથી લઈને આધુનિક પ્રગતિ સુધીની યાત્રાનું જીવંત અને કલાત્મક દૃશ્યપટ રજૂ કરશે. “ભારત એક ગાથા” થીમ હેઠળ ફૂલ, કલા અને કલ્પનાના સંગમથી ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, સિદ્ધિઓ અને ભાવનાઓને એક જ મંચ પર રજૂ કરવામાં આવશે.

    પ્રદર્શનના વિવિધ ઝોન ભારતના અલગ–અલગ આયામોને ઉજાગર કરશે. મુલાકાતીઓ એક ઝોનમાંથી બીજા ઝોનમાં આગળ વધતા ભારતની સમયયાત્રાનો અનુભવ કરશે અને “એકતામાં વિવિધતા”ની ભાવનાને નજીકથી અનુભવી શકશે.

    ભવ્ય પ્રવેશદ્વાર અને રાષ્ટ્રીય ગૌરવ

    ફ્લાવર શોની શરૂઆત ભવ્ય પ્રવેશદ્વારથી થશે, જ્યાં ફૂલોથી તૈયાર કરાયેલા બે વિશાળ સિંહો મુલાકાતીઓનું સ્વાગત કરશે. આ સિંહો ભારતની હિંમત, ગૌરવ અને અડગ આત્માનું પ્રતીક રહેશે. પ્રવેશ ઝોનમાં કમળના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવને કલાત્મક રીતે રજૂ કરવામાં આવશે.

    ઉત્સવો, બાળકો અને સંસ્કૃતિના રંગ

    પ્રદર્શનમાં ભારતના વિવિધ ઉત્સવોને સમર્પિત વિશેષ ઝોન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દિવાળી, હોળી, ઓણમ અને બિહુ જેવા ઉત્સવોને ફૂલકળાના માધ્યમથી જીવંત સ્વરૂપ આપવામાં આવશે.
    બાળકો માટે ખાસ રંગીન અને આનંદમય ઝોન પણ તૈયાર કરાયો છે, જ્યાં કાર્ટૂન પાત્રો દ્વારા મનોરંજન અને કલ્પનાનું વિશ્વ સર્જાશે.

    “શાશ્વત ભારત” ઝોન: પૌરાણિક વારસાની ઝાંખી

    ભારતની પૌરાણિક ધરોહરને રજૂ કરતો “શાશ્વત ભારત” ઝોન ફ્લાવર શોનું મુખ્ય આકર્ષણ બનશે. અહીં સમુદ્ર મન્થન, ગીતા સાર, ગોવર્ધન લીલા, ગંગા અવતરણ અને રામ સેતુ જેવા પૌરાણિક પ્રસંગોને ફૂલોના શિલ્પો દ્વારા કલાત્મક રીતે રજૂ કરવામાં આવશે.

    નૃત્ય, કલા અને નટરાજનું પ્રતિનિધિત્વ

    ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્યને સમર્પિત ઝોનમાં કુચિપુડી, ભાંગડા, ગરબા અને કથકલી જેવી નૃત્ય પરંપરાઓ રજૂ થશે. આ ઝોનના કેન્દ્રમાં ભગવાન નટરાજનું ભવ્ય પ્રતિનિધિત્વ રહેશે, જે ભારતની કલાત્મક સમૃદ્ધિ અને તાલની સર્વવ્યાપી ભાષાનું પ્રતીક બનશે.

    આધુનિક ભારતની સિદ્ધિઓ ફૂલોમાં

    “ભારતની સિદ્ધિઓ” ઝોનમાં ફૂલોના માધ્યમથી દેશની હાઈ-સ્પીડ રેલ, નવનીકરણીય ઊર્જા, સ્પોર્ટ્સ ક્ષેત્રની સિદ્ધિઓ, અંતરિક્ષ ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલી પ્રગતિ રજૂ કરવામાં આવશે. આ ઝોન ભારતના વારસા અને ભવિષ્યમુખી વિકાસની શક્તિશાળી ગાથા કહેશે.

    સરદાર પટેલને સમર્પિત વિશ્વ રેકોર્ડ પ્રયાસ

    પ્રદર્શનનું મુખ્ય કેન્દ્રબિંદુ રાષ્ટ્રીય એકતાને સમર્પિત ઝોન રહેશે, જેમાં 30 મીટર વ્યાસનું ભવ્ય ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલ ચિત્ર રજૂ કરવામાં આવશે. ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલના રાષ્ટ્રીય એકતામાં આપેલા યોગદાનને સન્માન આપતું આ પ્રદર્શન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.

    પર્યાવરણમૈત્રી આયોજન

    ફ્લાવર શો અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ પર 10,524 સ્ક્વેર મીટર વિસ્તારમાં સીઝનલ પ્લાન્ટ્સની જાળવણી માટે પરંપરાગત પાણી આપવાની પદ્ધતિના બદલે સ્પ્રિંકલર ઈરિગેશન નેટવર્ક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે.

    સ્પોન્સર અને પ્રવેશદ્વાર

    ફ્લાવર શોમાં બેંક ઓફ બરોડા, અરવિંદ સ્માર્ટ સ્પેસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અદાણી એન્ટરપ્રાઇઝ સહિતના ઔદ્યોગિક ગૃહો દ્વારા વિવિધ ઝોન સ્પોન્સર કરવામાં આવ્યા છે.

    મુલાકાતીઓની સુગમતા માટે ચાર પ્રવેશદ્વાર નક્કી કરવામાં આવ્યા છે:

    • ગેટ નં. 1 – ફ્લાવર પાર્ક, એલિસબ્રિજ પાસે, રિવરફ્રન્ટ પશ્ચિમ

    • મલ્ટી લેવલ કાર પાર્કિંગ ફૂટ ઓવરબ્રિજ

    • ગેટ નં. 4 – ઇવેન્ટ સેન્ટર, રિવરફ્રન્ટ પશ્ચિમ

    • પૂર્વ પ્રવેશ – અટલ બ્રિજનો પૂર્વ છેડો, રિવરફ્રન્ટ પૂર્વ

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નગરજનોને મોટી સંખ્યામાં શાંતિપૂર્વક અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો–2026ની મુલાકાત લઈ આ ભવ્ય આયોજનને સફળ બનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply