કંડલા ચકચારી હેરોઈન કેસમાં ડીઆરઆઈ દ્વારા પંજાબથી કરવામાં આવી આયાતકારની ધરપકડ
Live TV
-
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ના અધિકારીઓ હાલમાં કંડલા પોર્ટ પર ઉત્તરાખંડ સ્થિત પેઢી દ્વારા આયાત કરાયેલ કન્સાઈનમેન્ટની તપાસ કરી રહ્યા છે. નવેમ્બરમાં કન્સાઈનમેન્ટ ઈરાનના અબ્બાસ બંદરથી કંડલા બંદરે પહોંચ્યું હતું. 17 કન્ટેનરમાં આયાત કરાયેલ માલનું કુલ વજન 394 MT છે અને તેને "જીપ્સમ પાવડર" તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જે ચકાસતા તેમાંથી 205.6 કિલો હેરોઈન, કિંમત રૂ.1439 કરોડનો મુદામાલ મળી આવતા સિઝ કરાયો છે.
કન્સાઇનમેન્ટની ઝીણવટભરી તપાસ હજુ બંદર પર ચાલી રહી છે. તપાસ દરમિયાન, આયાતકાર ઉત્તરાખંડમાં નોંધાયેલા સરનામે મળી આવ્યો ન હતો. તદનુસાર, આયાતકારને પકડવા માટે દેશભરમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ડીઆરઆઈએ આયાતકારને શોધવા માટે સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આયાતકાર વારંવાર સ્થળો બદલી રહ્યો હતો અને ઓળખ ટાળવા માટે છૂપાઈ રહ્યો હતો. જોકે, સતત અને અવિરત કરેલા પ્રયત્નોના પરિણામ મળ્યા અને આયાતકાર પંજાબના એક નાના ગામમાં સ્થિત હતો. આયાતકારે પ્રતિકાર કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ DRI અધિકારીઓએ તેને પકડી લીધો હતો.
અત્યાર સુધી કરવામાં આવેલી પૂછપરછના આધારે, DRI એ NDPS એક્ટ, 1985 ની જોગવાઈઓ હેઠળ ઉક્ત આયાતકારની ધરપકડ કરી છે અને તેને 24.04.2022 ના રોજ અમૃતસરની સ્પેશિયલ ડ્યુટી મેજિસ્ટ્રેટની માનનીય કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે DRI અધિકારીઓને આયાતકારને ભુજ ખાતેની એનડીપીએસ કોર્ટ સમક્ષ રજૂ કરવા સક્ષમ બનાવવા ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા છે.જેથી આરોપીને આજે બપોરે બાદ ભુજ કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેના 10 દિવસના રિમાન્ડ મળ્યા છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
