ગાંધીનગરમાં "ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ" યોજાયો, હરિયાળા વિકાસ માટે ગુજરાત સરકાર ફાળવશે 2 લાખ કરોડ રૂપિયા
Live TV
-
હરિયાળા વિકાસ માટે આવનારા 5 વર્ષમાં ગુજરાત સરકાર રૂ.2 લાખ કરોડ ફાળવશે: મંત્રી મુળુભાઇ બેરા
ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં "ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ 2021-22" યોજાયો હતો. આ કાર્યક્રમમાં જન જાગૃતિ, ઇનોવેશન/ઇનોવેટિવ પ્રોજેક્ટ, મહિલા સાહસિકો, વ્યક્તિગત, સંસ્થાકીય અને સ્ટાર્ટ અપ એકમો જેવી 6 કેટેગરી અંતર્ગત કુલ 10 વિજેતાઓને એવોર્ડ તથા ઈનામી રકમ આપી તેમનુ સન્માન કરવામાં આવ્યુ. ક્લાઇમેટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, ક્લાઇમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ બી.એચ. તલાટી, ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી (જેડા) ના નિયામક અજય પ્રકાશ, ગીર ફાઉન્ડેશનનાં નિયામક આર.કે.સુગૂર, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીના સલાહકાર નરોત્તમ સાહુ, એવોર્ડ વિજેતાઓ તથા અન્ય પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા.
અગ્ર સચિવ સંજીવ કુમારે કલાઇમેટ ચેન્જ વિભાગ હસ્તકની જેડા દ્વારા સંચાલીત રેસિડેંસીયલ અને સરકારી મકાનો ઉપર સોલાર રૂફટોપ, ઇલેક્ટ્રીક વાહન પર સબસીડી, શાળામાં ઊર્જા કાર્યક્ષમ એલ.ઇ.ડી ટ્યુબલાઇટ અને પંખા બેસડવાની, સુધારેલ સ્મશાન ભઠ્ઠી, સોલાર વોટર હીટર, બાયોગેસ પ્લાન્ટ વગેરેની યોજનાઓ વિશે માહિતગાર કર્યા. અગ્ર સચિવ સંજીવ કુમારે જણાવ્યુ કે, ગુજરાત આજે 22,000 મેગાવોટ જેટલી સોલાર અને વિન્ડ ઊર્જાની સ્થાપિત ક્ષમતા સાથે ભારતનું અગ્રેસરનુ રાજ્ય છે. આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા 25 જેટલી યુનિવર્સિટીઓને ક્લાઇમેટ ચેન્જ અંગે સંશોધન કરવા ફાળવવામાં આવતી ગ્રાન્ટ અંગે પણ જણાવ્યુ.
વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના માન. રાજ્યકક્ષાના મંત્રી મૂકેશભાઇ પટેલે તેમના વક્તવ્ય દરમિયાન પર્યાવરણના ફેરફારો અંગે ચિંતા વ્યક્ત કરતા હિમાલયના ગ્લેશિયર પિગળવાથી વધતા સમુદ્ર સ્તરને અટકાવવા માટે મેન્ગ્રૂવના વાવેતર તથા વધતા પ્રદુષણના સાથે વધતી ગરમી, દૂકાળ, પૂર, સમુદ્રી તુફાન, રાસાયણિક ખેતીથી ઉજ્જડ થતી જમીન વગેરે સંકટ વિષે ચિંતા વ્યક્ત કરી.
વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના કેબિનેટ મંત્રી મૂળુભાઇ બેરાએ જણાવ્યુ કે, ગુજરાત સરકાર દ્વારા હરિયાળા વિકાસ માટે આવનારા 5 વર્ષમાં રૂ.2 લાખ કરોડ ફાળવવાના હોવાનું. ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન યોજાનાર “નેટ ઝીરો” સેમિનાર, ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત મિશન લાઇફના કાર્યક્રમો, સંપૂર્ણ સૌર ઊર્જાથી ચાલતુ મોઢેરા ગામ, અમૃત સરોવરો, પ્રાકૃતિક ખેતી વગેરે જેવા અનેક પ્રયાસોથી સરકાર સજ્જ છે.
