'દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત' પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના ઉપયોગ થકી શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પડાશે
Live TV
-
અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે 'દીપ શાળા પ્રોજેક્ટ' અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની 80 પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ટેબલેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાના 11 હજારથી વધુ બાળકોને ટેબ્લેટ આપવામાં આવનાર છે જે પૈકી આજે શિક્ષણમંત્રીશ્રીના હસ્તે 2600 વિદ્યાર્થીઓને ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
સ્ટેમ-આધારિત પ્રવૃતિઓ અને શિક્ષણમાં ટેક્નોલોજીનાં ઉપયોગ(ટેકનો-પેડાગોજી) થકી અમરેલીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનાં હેતુ સાથે આ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે. આ પ્રોજેક્ટનું સંપૂર્ણ આર્થિક યોગદાન સંવિદ વેન્ચર્સ દ્વારા પૂરું પાડવામાં આવ્યુ છે. અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશન (AIF) દ્વારા સંચાલિત દીપશાળા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સરકારી શાળાઓમાં 11 હજારથી વધુ બાળકોને ટેબ્લેટ અને વાઈ-ફાઈ જોડાણ વડે શાળાઓને ટેક્નોલોજીથી વધુ સમૃદ્ધ કરીને વિશ્વ કક્ષાનું શિક્ષણ પ્રદાન કરવાનો છે. એટલુ જ નહિ, સ્ટેમ (STEM) કૌશલ્ય ધરાવતા બાળકોમાં કૌશલ્ય વિકાસના હેતુસર અમરેલીની શાળાઓને પ્રયોગો આધારિત કીટ વડે સંપૂર્ણ સજ્જ એવી સ્ટેમ(STEM) લેબ પ્રદાન કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ, 255 શિક્ષકોને ટેબ્લેટ્સના ઉપયોગ, ઈન્ફર્મેશન ટેક્નોલોજીના માધ્યમથી શ્રેષ્ઠ શિક્ષણ, સ્ટેમ(STEM)આધારિત પ્રવૃત્તિઓ અને શિક્ષણશાસ્ત્રના ખ્યાલો પર તાલીમ આપવામાં આવી રહી છે. વધુમાં, શિક્ષકો અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને અનુલક્ષીને વ્યક્તિગત શિક્ષણ આપવા માટે IIT-બોમ્બે દ્વારા સંચાલિત મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ (MOOCs) માં પણ તેઓ ભાગ લઈ રહ્યા છે. જાગૃત સામાજિક હોદેદારોની સહભાગીદારીને સુનિશ્ચિત કરવા માટે, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ના 960 સભ્યો પણ પ્રોજેક્ટ અમલીકરણ અને દેખરેખમાં સામેલ થઈ રહ્યા છે.
