મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં અધ્યક્ષ સ્થાને ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની બેઠક યોજાઈ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોન સહાય યોજનાઓની વ્યાપક સફળતા માટે બેંકોના વધુ સક્રિય સહયોગનું આહવાન કર્યું હતું.
ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 178મી બેઠક યોજાઈ હતી. બેઠકના અધ્યક્ષ સ્થાનેથી મુખ્યમંત્રીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેવાડાના અને ગરીબ માનવીઓને મુખ્ય પ્રવાહમાં લાવવા આર્થિક સહાય આપવાનો જે ઉદ્દાત ભાવ દાખવ્યો છે તેમાં બેન્ક્સ વધુને વધુ સક્રિયતા થી મદદરૂપ થાય તે અપેક્ષિત છે. તેમણે ખાસ કરીને નાના માનવીઓ, નાના વેપારીઓ, ગ્રામીણ ખેડૂતો, પશુપાલકો, મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપને લોન સહાય ધિરાણ આપવામાં જ્યાં સરકાર ગેરેન્ટર હોય ત્યાં બેન્ક્સ સરળતાએ ધિરાણ આપે તેવી હિમાયત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે જણાવ્યું હતું કે, બેન્કર્સ આવી લોન સહાયની ભરપાઈના અને અન્ય લોન સહાયની ભરપાઈના NPAની તુલના કરવા પણ અનુરોધ કર્યો હતો મુખ્યમંત્રીએ બેન્કર્સને આવી ધિરાણ યોજનાઓમાં બ્રાન્ચ વાઇઝ ધિરાણ થાય તેવી પ્રક્રિયા વિકસાવવા સૂચન કરતા કહ્યું હતું કે, છેવાડાના-અંતરિયાળ વિસ્તારના જરૂરતમંદ લોકોને આના પરિણામે ઝડપથી ધિરાણ મળશે અને યોજનાઓનો લક્ષ્યાંક સુપેરે પાર પાડી શકાશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર બેન્કર્સ સાથે ઉભી રહીને યોજનાઓના સફળ અમલ માટે પ્રતિબદ્ધ છે. બેન્કર્સ પણ તેમને પડતી મુશ્કેલીઓ રાજ્ય સરકારના ધ્યાને લાવે તો સાથે બેસીને સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ પણ તેમણે ઉમેર્યું હતું
આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓના ધિરાણ લક્ષ્યાંક અને પ્રગતિની સમીક્ષા પ્રેઝન્ટેશન દ્વારા કરવામાં આવી હતી. રાજ્યની લીડ બેન્ક અને નાબાર્ડ સહિતની વિવિધ બેન્ક્સના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.
