વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે પુણામાં જનજાગૃતિ કાર્યક્રમ અને રેલી યોજાઈ
Live TV
-
જિલ્લા કલેક્ટર અને અને બાળમજૂરી વિરોધી જિલ્લા ટાસ્ક ફોર્સના અધ્યક્ષ શ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ deતા.૧૨ જૂન- વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ નિમિત્તે નાયબ શ્રમ આયુક્તની કચેરી, જિલ્લા ટાસ્ક ફોર્સ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પુણા સ્થિત અર્ચના વિદ્યા સંકુલમાં જનજાગૃતિ કાર્યક્રમ અને જાગૃતિ રેલી યોજાઈ હતી.
બાળ મજૂરી વિરોધી દિવસની આ વર્ષની વૈશ્વિક થીમ "Red Card to Child Labour: Fair Play for Children, Decent Work for Adults" (બાળમજૂરીને જાકારો આપો: બાળકોને ન્યાય અને પુખ્ત લોકોને યોગ્ય કામ) હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બાળકોએ પોસ્ટરો, વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ જાગૃતિ સંદેશ આપ્યો હતો. કોઈપણ સ્થળે બાળમજૂરી થતી જોવા મળે તો તુરંત હેલ્પલાઇન નંબર ૧૦૯૮ અથવા ૧૫૫૨૬૨ પર સંપર્ક કરી કાયદાકીય કડક પગલાં ભરવામાં સહયોગ આપવા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી.
વહીવટીતંત્ર દ્વારા આયોજિત તજજ્ઞોના સેમિનારમાં બાળમજૂરીના અભિશાપથી સમાજને મુક્ત કરવાનો સંદેશ અપાયો હતો. અર્ચના વિદ્યાસંકુલથી પુણાગામ રોડ સુધી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અધિકારીઓએ રેલી યોજી હતી. રેલીમાં મહાનુભાવો, અધિકારીઓ, સ્વયંસેવકો અને વિદ્યાર્થીઓએ રેલી દરમિયાન "બાળકોના હાથમાં પુસ્તકો હોવા જોઈએ, મજૂરીના ઓજારો નહીં" અને "બાળ મજૂરી દંડનીય અપરાધ છે" તેવા સૂત્રોચ્ચાર સાથે લોકોને જાગૃત કર્યા હતા.ઉપસ્થિત સૌ સુરત જિલ્લાને સંપૂર્ણપણે બાળમજૂરી મુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા. આ પ્રસંગે મદદનીશ શ્રમ આયુક્ત એચ.એસ. ગામીત, મદદનીશ પોલીસ કમિશનર મિની જોસેફ, જિ.કાનૂની સેવા સત્તા મંડળના પ્રતિનિધિ સતીશ સુરતી, બાળ સુરક્ષા અધિકારી વી.જી. પરમાર, શિક્ષણ વિભાગના પ્રતિનિધિ તેમજ પ્રયાસ જુવેનાઇલ જસ્ટિસ સંસ્થાના જિલ્લા કો-ઓર્ડિનેટર જે.એમ. ઠાકોર સહિત જિલ્લા ટાસ્ક ફોર્સના તમામ સભ્યો અને અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
