'શ્રમિક અન્નપૂર્ણા યોજના' અંતગર્ત નવા 152 ભોજન વિતરણ કેન્દ્ર ખોલાશે
Live TV
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી 10 નવેમ્બર 2023ના રોજ અમદાવાદ ખાતે 'શ્રમિક અન્નપૂર્ણા' યોજના હેઠળ નવા 152 ભોજન કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. આ સાથે રાજયના અન્ય જિલ્લાઓમાં પણ વિવિધ મહાનુભાવોના હસ્તે નવા કુલ-152 ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આજે ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે આગામી સમયમાં શરૂ થનાર નવા ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં 49, સુરતમાં 22, જામનગરમાં 10, વડોદરામાં 9, ગાંધીનગરમાં 8, પાટણમાં 7, નવસારી અને મોરબીમાં 6-6, બનાસકાંઠા અને રાજકોટમાં 5-5, વલસાડ, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણામાં 4-4, ભરૂચમાં 3 તેમજ ભાવનગરમાં 2 ભોજન કેન્દ્રનો સમાવેશ થાય છે. મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના હેઠળ છેલ્લા 6 માસમાં 36.33 લાખ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે જેનો રૂપિયા 16 કરોડથી વધુનો ખર્ચ થયો છે.
મહત્વનું છે કે શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-2017થી બાંધકામ શ્રમિકોને નજીવા દરે ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી 'શ્રમિક અન્નપૂર્ણા યોજના' કાર્યરત છે. શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા 2022માં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કુલ 22 કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં 118 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.
