VGGS 2024 : ફિનટેકની સુવિધા પૂરી પાડવા ONDP અને ગુજરાત સરકાર વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા
Live TV
-
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના બીજા દિવસે મહાત્મા મંદિર ખાતે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને ‘ઈ-કોમર્સ: બિઝનેસ ઓન ફિંગરટીપ્સ’ અંગે સેમિનાર યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજ્યના ખરીદદારો, વેચાણકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા તથા ફિનટેકની સુવિધા પૂરી પાડવા અંગે ઓ.એન.ડી.પી, (ONDP) વતી ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષી અને ગુજરાત સરકાર વતી અધિક ઉદ્યોગ કમિશનર કુલદીપ આર્ય વચ્ચે એમ.ઓ.યુ કરવામાં આવ્યા હતા.
સેમિનારમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ઈ-કોમર્સ વ્યવસાય માત્ર મોટા શહેરો પૂરતો સીમિત નથી પરંતુ આજે અંતરિયાળ ગામડાંઓમાં રહેતા સિનિયર સિટીજન ઓનલાઈન વસ્તુઓ મંગાવતા થયાં છે, ત્યારે ઈ-કોમર્સથી સામાજિક બદલાવ કેવી રીતે લાવી શકાય તે દિશામાં વિચારવાની જરૂર છે.
ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સના ચીફ બિઝનેસ ઓફિસર શિરીષ જોષીએ જણાવ્યું હતું કે, હાલમાં ૬૦૦૦ શહેરો ONDP સાથે જોડાયેલા છે. જુદી જુદી એપ્લીકેશનનો ઉપયોગ કરીને તમામ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે. સેમિનારના બીજા સેશનમાં, ભારતમાં વિકસી રહેલા ઈ-કોમર્સ માર્કેટ વિશે તજજ્ઞો દ્વારા ઈ-કોમર્સ સ્પેસમાં ટેકનોલોજીની ભૂમિકા અને મોટા વ્યવસાયો પર તેની અસર અને પાયાના સ્તરના સમાવેશ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ક્રોસ બોર્ડર પોલિસી, ઇકો-સિસ્ટમ અને ઇ-કોમર્સ વધારવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ અને ઈન્ટેલીજન્સ ઓટોમેશન, સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ, બ્લોક ચેઇન અંગે વિગતવાર ચિંતન કરવામાં આવ્યું હતું.
