VGGS 2024 : સાઉથ અને વેસ્ટર્ન દેશો વચ્ચેનો મહત્વપૂર્ણ બ્રિજ “ગિફ્ટસિટી”
Live TV
-
વર્ષ 2007માં તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણાકીય સેવાઓ અને ટેક્નોલોજીના સમન્વયનો આપેલો વિચાર ગિફ્ટસિટીથી ચરિતાર્થ થઈ રહ્યો છે એમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા “ગિફ્ટ સિટી - એન એસ્પિરેશન ઓફ મોડર્ન ઈન્ડિયા” સેમિનારમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું.
ગિફ્ટ સિટીમાં હાલમાં 3 આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્ટોક એક્સચેન્જ, 9 વિદેશી સહિત કુલ 25 બેંક, 26 એરક્રાફ્ટ લિઝર્સ, 80 ફંડ મેનેજર્સ કાર્યરત છે. આ ઉપરાંત શિપ બિલ્ડિંગ અને લિઝિંગ એક્ટિવિટીને પ્રોત્સાહન આપવા માટે અનુરૂપ વાતાવરણ ગિફ્ટસિટી ખાતે નિર્માણ કરાયું છે. સાથોસાથ ગિફ્ટસિટીમાં 50 જેટલા સર્વિસ પ્રોવાઈડર્સ અને 40 ફીનટેક એન્ટીટી પણ કાર્યરત છે. ગ્રીન રિવોલ્યુશનમાં ભારતની સક્રિય ભૂમિકા માટે જી-20 સમિટના દેશો સહમત થયા હતા અને “ગિફ્ટસિટી” આ સંકલ્પનાને સાકાર કરનારું આદર્શ સ્થાન બન્યું છે. કાર્બન અને ગ્રીન ક્રેડિટના વિચારને ગતિ આપવા માટે પણ “ગિફ્ટસિટી” મહત્વનું માધ્યમ બનશે.
પ્રસ્તુત સેમિનારમાં ઉપસ્થિત રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતુ કે, ગિફ્ટસિટી એ પ્રધાનમંત્રીનું માનસ સંતાન છે અને તેના વિકાસ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. એટલું જ નહીં સતત માર્ગદર્શન આપી ગિફ્ટસીટીના વિકાસને તેઓ વધુ ગતિશીલ બનાવી રહ્યા છે. રોકાણકારો ગિફ્ટસિટીમાં આવી મહત્તમ લાભો મેળવે તેવું આહવાન મંત્રીએ કર્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું કે, હાલમાં ભારતમાં 900 એરક્રાફ્ટ કાર્યરત છે. જ્યારે 2000 નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
સેમિનારમાં ઉપસ્થિત IFSCના ચેરમેન કે. રાજારમને કહ્યું હતુ કે, પ્રધાનમંત્રીના વિકસીત ભારત @ 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા ગિફ્ટસિટી પરિણામલક્ષી ભૂમિકા ભજવી રહ્યું છે. ગિફ્ટસિટીમાં વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે ગ્લોબલ ઈનોવેશન, બેંકિંગ, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જાપાનની મિઝુહો બેંક અને ડાઈકિન યુનિવર્સિટીની શરૂઆત થવાથી ગિફ્ટસિટીએ સિંગલ વિન્ડો ક્લિયરન્સ અને સાતત્યપૂર્ણ વિકાસનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ગિફ્ટસિટીમાં એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી વાતાવરણ ઉભું કરવું અને દેશના કૌશલ્યવાન યુવાનોને પુરતી તકો આપવા વિશે રસપ્રદ ચર્ચા કરવામાં આવી હતી.
