પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહામાં કતારના પ્રધાનમંત્રી સાથે દ્વીપક્ષિય મુદ્દાઓ પર વાતચીત કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ કતારમાં છે. સંયુક્ત અરબ અમીરાતથી પ્રધાનમંત્રી ગઈકાલે સાંજે દોહા પહોંચ્યા. જ્યાં તેમની કતારના પ્રધાનમંત્રી મોહમ્મદ-બિન-અબ્દુલરહમાન-અલઘાણી સાથે દ્વિપક્ષીય મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થઈ. પ્રધાનમંત્રીની મુલાકાત કતાર સાથે ઐતિહાસિક અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપશે.
આ બેઠક બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, પ્રધાનમંત્રી અલઘાણી સાથે વાતચીત ખૂબ સરસ રહી. અમે ભારત અને કતાર વચ્ચે મિત્રતા મજબૂત કરવા પર ચર્ચા કરી. આ પહેલા ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, પીએમ મોદીની કતારના પ્રધાનમંત્રી સાથે ખૂબ ખૂબ ફળદાયી વાતચીત થઈ. પાછળના દિવસોમાં કતારે દંડિત કરેલા 8 ભારતીય નાગરિકોને મુક્ત કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દોહાની આ યાત્રા ખૂબ મહત્વપૂર્ણ મનાઈ રહી છે.
વર્ષ 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ આ તેમની બીજી કતારની યાત્રા છે. દોહામાં ભારતીય સમુદાયના લોકોએ પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કર્યું. પીએમ મોદીને મળીને ભારતીય સમુદાયના લોકો ખૂબ ઉત્સાહિત અને ખુશખુશાલ જોવા મળ્યા.
આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પીએમ મોદીએ રાજધાની દોહામાં કતારના પ્રધાનમંત્રી અને નાણામંત્રી અલ થાની સાથે ઘણા મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં વેપાર અને રોકાણ, ઉર્જા, નાણા જેવા મુદ્દા સામેલ હતા. આ પહેલા દોહા પહોંચેલા પીએમ મોદીનું એરપોર્ટ પર કતારના વિદેશ મંત્રી સુલતાન બિન સાદ અલ મુરૈખીએ સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસીય મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી દ્વારા તેમના સન્માનમાં આયોજિત રાત્રિભોજનમાં હાજરી આપી હતી.
