મહેસાણા જિલ્લાનાં વિસનગરમાં વર્ષોથી રમાય છે અનોખી ખાસડા હોળી, જાણો કેવી રીતે ઉજવાય છે આ ખાસડા હોળી
Live TV
-
હોળી-ધૂળેટીનાં પર્વને લઇને રાજ્યભરમાં અનેક જગ્યાઓએ અલગ અલગ લોકવાયકાઓ છે. જેમાં મહેસાણા જિલ્લાનાં વિસનગરમાં વર્ષોથી અનોખી રીતે ખાસડા હોળી રમાય છે. આ શહેરમાં છેલ્લા 150 થી આ પરંપરા ચાલી આવે છે. વિસનગરમાં ધૂળેટીનાં દિવસે એકબીજાને રંગો નહી પણ ખાસડા મારવામાં આવે છે. જેને વિસનગરનાં લોકો ખાસડા યુધ્ધ તરીકે ઓળખે છે અને કહેવાય છે કે,આ ઉજવણી દરમિયાન જેને ખાસડુ વાગે તેનું સમગ્ર વર્ષ સારૂ જાય છે. જો કે, હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન શાકભાજીએ લઇ લીધુ છે.
ધૂળેટીનાં દિવસે વહેલી સવારે ઉત્તર વિભાગનાં અને દક્ષિણ વિભાગનાં લોકો આવીને મંડી બજારમાં 2 જુથોમાં વહેંચાઇ જાય છે. જ્યારે બજારનાં ચોકની વચ્ચે ખજુરનો ઘડો મુકવામાં આવે છે અને બંને જુથો આ ઘડો મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે બંને જુથના લોકો સામેનાં જૂથને ખાસડા મારી આ ઘડો લઇ જતો અટકાવે છે. જે જૂથ આ ઘડો મેળવી લે એને વિજેતા જાહેર કરવામાં આવે છે.
આ વર્ષે કોરોના મહામારીનાં કારણે માત્ર જૂજ સંખ્યામાં બાળકો અને યુવાનોએ શાકભાજીથી 150 વર્ષ જૂની પરંપરાને સાચવી હતી. જોકે પોલીસે હાજર રહી હોળી રસિયાઓને આ રમત બંધ કરવાનું કહેતા, કોઈ જ જાતનાં વિવાદ વિના લોકોએ પોલીસની વાત માની આ રમત બંધ કરી હતી.
