પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકત્તાએ માત્ર 14 ઓવરમાં હૈદરાબાદના આપેલા ટાર્ગેટને હાંસલ કરી જીત મેળવી
Live TV
-
ફાઈનલમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ કોલકત્તાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું
કોલકાતા નાઈટ રાઈડર્સે પોતાનું શાનદાર પ્રદર્શન જારી રાખીને આઈપીએલ 2024 ની ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ફાઈનલમાં સ્થાન મેળવનાર પ્રથમ ટીમ કોલકત્તાએ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. હૈદરાબાદનો આપેલો 160 રનનો ટાર્ગેટ કોલકત્તાએ 14 ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.
કોલકાતા માટે વેંકટેશ અય્યરે 28 બોલમાં અડધી સદી ફટકારી હતી, જ્યારે કેપ્ટન શ્રેયસ અય્યરે 23 બોલમાં અડધી સદી ફટકારી ટીમને જીત તરફ અપાવી હતી. શ્રેયસ અય્યરે 24 બોલમાં 58 રન અને વેંકટેશ અય્યરે 28 બોલમાં 51 રન બનાવ્યા હતા. રહેમાનુલ્લા ગુરબાઝે 23 રન અને સુનીલ નરીને 21 રન બનાવ્યા હતા. મિચેલ સ્ટાર્કે KKR ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 3 વિકેટ ઝડપી હતી. તો વરુણ ચક્રવર્તીને 2 સફળતા મળી.
સનરાઈઝર્સ હૈદરાબાદની હારનું મુખ્ય કારણ તેમની બેટિંગ હતી જે કોલકાતા સામે ફ્લોપ સાબિત થઈ હતી. રાહુલ ત્રિપાઠીની અડધી સદી સિવાય કોઈ બેટ્સમેન શાનદાર પ્રદર્શન કરી શક્યો ન હતો. હૈદરાબાદના 3 બેટ્સમેન શૂન્ય રન પર મેદાનથી પરત ફર્યા હતા. તે પૈકી ટ્રેવિસ હેટ જેવો દિગ્ગજ પણ હતો.
પ્રથમ ક્વોલિફાયર મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ પર બેટિંગ કરવી આસાન નથી જેના કારણે હૈદરાબાદને નુકસાન સહન કરવું પડ્યું હતું. ટ્રેવિસ હેડ ખાતું ખોલાવી શક્યા ન હતા. અભિષેક શર્મા 3 રને સેટલ થયો હતો. નીતિશ રેડ્ડી 9 રન બનાવી શક્યો હતો. શાહબાઝ પણ ખાતું ખોલાવી શક્યો ન હતો. ક્લાસને 21 બોલમાં 32 રન બનાવ્યા અને ત્રિપાઠીએ 35 બોલમાં 55 રનની ઈનિંગ રમી, ત્યારે જ સનરાઈઝર્સ હૈદરાબાદ 159 રન સુધી પહોંચી શકી પરંતુ આ ટાર્ગેટ KKR માટે ઘણો સરળ સાબિત થયો.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ચોથી વખત ફાઇનલમાં પહોંચી છે. આ ટીમ 2012 અને 2014 માં ચેમ્પિયન બની છે. વર્ષ 2021માં, KKR ફાઇનલમાં પ્રવેશી હતી પરંતુ જીતી શકી ન હતી. ત્યારે હવે ફરી એકવાર કોલકાતાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
