ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં રિકવરી
Live TV
-
ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં રિકવરી: નિફ્ટી 24,000ને પાર, સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો
વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય અસ્થિરતા વચ્ચે આજે ભારતીય શેરબજારમાં (Indian Stock Market) ઉતાર-ચઢાવ સાથે ગ્રીન સિગ્નલ જોવા મળ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ મંત્રણા અંતિમ તબક્કામાં પહોંચતા વિશ્વભરે રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ અમેરિકા દ્વારા ફરી અચાનક કરવામાં આવેલા હુમલાએ પશ્ચિમ એશિયામાં મામલો ફરી ગરમાવી દીધો છે. આ વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં ભારતીય બજારે મજબૂતી બતાવી છે.
શેરબજાર અપડેટ: સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો
શરૂઆતી આંચકા બાદ ઘરેલું શેરબજારે શાનદાર રિકવરી કરી છે. બજારમાં સામાન્ય સુધારા સાથે સેન્સેક્સ 100 પોઈન્ટથી વધુ ઉછળીને ટ્રેડ કરી રહ્યો છે. રોકાણકારો માટે રાહતના સમાચાર એ છે કે નિફ્ટી ફરી એકવાર 24,000 ની મનોવૈજ્ઞાનિક સપાટીને પાર નીકળી ગઈ છે. બ્રોડર માર્કેટમાં પણ ભારે લેવાલી જોવા મળી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અડધા ટકા (0.50%) ની શાનદાર તેજી નોંધાઈ છે, જેનાથી નાના રોકાણકારોમાં ઉત્સાહ છે.
બુલિયન માર્કેટ: સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
એકતરફ શેરબજારમાં રિકવરી છે, તો બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. લગ્નસરાની સીઝન વચ્ચે ખરીદદારો માટે આ સારા સમાચાર છે. સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 500 નો ઘટાડો નોંધાયો છે. ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલ્યો છે. ચાંદી પ્રતિ કિલો રૂપિયા 4,000 સસ્તી થઈ ગઈ છે.
બજારના નિષ્ણાતોનું શું કહેવું છે?
માર્કેટ એનાલિટિસ્ટ્સના જણાવ્યા અનુસાર, "ઈરાન-અમેરિકા વચ્ચેનો નવો તણાવ ચિંતાનો વિષય છે, પરંતુ ભારતીય અર્થતંત્રના મજબૂત પાયાના કારણે બજારે વૈશ્વિક દબાણને પચાવી લીધું છે. સોના-ચાંદીમાં આવેલો ઘટાડો પ્રોફિટ બુકિંગ (નફો વસૂલાત) ના કારણે હોઈ શકે છે." વૈશ્વિક સ્થિતિ હજુ પણ નાજુક હોવાથી નિષ્ણાતો રોકાણકારોને સાવચેતીપૂર્વક વેપાર કરવાની સલાહ આપી રહ્યા છે.
