પશ્ચિમ એશિયાની અશાંતિની ભારતીય બજાર પર અસર
Live TV
-
પશ્ચિમ એશિયાની અશાંતિની ભારતીય બજાર પર અસર: શેરબજારમાં કડાકો
પશ્ચિમ એશિયાની ડામાડોળ અને તણાવપૂર્ણ સ્થિતિની સીધી અસર હવે ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના બીજા દિવસે વૈશ્વિક બજારના નબળા સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર લાલ નિશાનમાં બંધ રહ્યું છે.
શેરબજારમાં ઘટાડો
BSE સેન્સેક્સ 300 પોઇન્ટના ઘટાડા સાથે 78 હજારની સપાટીની આસપાસ કારોબાર કરી રહ્યો છે. બજારમાં ખાસ કરીને બેન્કિંગ શેરો પર ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે. NSE નિફ્ટી પણ 100 પોઇન્ટ સરકીને 24 હજારની મહત્વપૂર્ણ સપાટીની આસપાસ આવી ગયો છે.
ક્રૂડ ઓઇલમાં 5%નો ભડકો
અમેરિકા અને ઈરાન વચ્ચે વર્તમાન સંજોગોમાં શાંતિ જળવાવાની કોઈ આશા દેખાઈ રહી નથી, તેમજ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ હોર્મુઝની ખાડીનો માર્ગ મોકળો થવાની સ્થિતિ ન સર્જાતા વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં રાતોરાત 5 ટકાનો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. આ વધારા સાથે ક્રૂડ ઓઇલના ભાવ હાલ 90 ડોલર પ્રતિ બેરલ ની નજીક પહોંચી ગયા છે, જેના કારણે દેશમાં મોંઘવારી વધવાની ચિંતા ઊભી થઈ છે.
સોના-ચાંદીમાં ચમકારો
શેરબજારમાં ઘટાડા અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોનો રસ વધતા સોનાના ભાવમાં ફરી તેજી જોવા મળી છે. આજે સોનાના ભાવમાં 1 હજાર રૂપિયાનો વધારો થવાથી તે સીધું 1 લાખ 54 હજાર રૂપિયા ની સપાટીએ પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ તેજી-મંદીનો દોર યથાવત છે. બજારના આ પ્રકારના વલણથી રોકાણકારો સતર્ક બન્યા છે.
