પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય બજારમાં મોટું ગાબડું
Live TV
-
પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારતીય બજારમાં મોટું ગાબડું
ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે વૈશ્વિક અર્થતંત્રને હચમચાવી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માટે ઇરાનના પાવર પ્લાન્ટ્સ પર હુમલો કરવાની આપેલી ધમકીની સીધી અસર ભારતીય શેરબજાર અને કોમોડિટી માર્કેટ પર જોવા મળી રહી છે. આજે સપ્તાહના પ્રારંભે જ બજારમાં રક્તપાત જેવી સ્થિતિ સર્જાઈ છે.
શેરબજારમાં ઐતિહાસિક ઘટાડો
ભારતીય શેરબજાર આજે પ્રારંભિક સત્રમાં જ 1700 પોઇન્ટ જેટલા મોટા ઘટાડા સાથે 'રેડ ઝોન' માં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 1,766 પોઇન્ટના કડાકા સાથે 72,760 ની સપાટીએ પહોંચ્યો છે. NSE નિફ્ટી 500 પોઇન્ટ ગગડીને 22,546 ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો
આશ્ચર્યજનક રીતે, સામાન્ય રીતે અસ્થિરતામાં વધતા સોના-ચાંદીના ભાવમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોનું પ્રતિ 10 ગ્રામ દીઠ 6,000 રૂપિયા ઘટીને 1,32,000 ની સપાટીએ પહોંચ્યું છે. ચાંદી કિલો દીઠ 10,000 રૂપિયા તૂટીને 2,15,000 ની સપાટીએ કારોબાર કરી રહી છે.
રૂપિયો નબળો પડ્યો
ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ભારતીય રૂપિયો પણ ડોલરની સરખામણીએ નબળો પડ્યો છે, જે આયાતકારો માટે ચિંતાનો વિષય છે. બજારના નિષ્ણાતો માને છે કે જો પશ્ચિમ એશિયામાં તણાવ હળવો નહીં થાય તો બજારમાં હજુ પણ વધુ વેચવાલી જોવા મળી શકે છે.
