સુરેન્દ્રનગરના થાનગઢમાં નવરાત્રી માટે દેશી ભરતકામની ચણિયાચોળી અને કોટીની માંગમાં ભારે વધારો
Live TV
-
સુરેન્દ્રનગરના થાનગઢમાં નવરાત્રી માટે દેશી ભરતકામની ચણિયાચોળી અને કોટીની માંગમાં ભારે વધારો
નવરાત્રી નજીક આવતા જ બજારમાં ચણિયાચોળી અને કોટીની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં હાથબનાવટના અને દેશી ભરતકામવાળા ચણિયાચોળી અને કોટીની ભારે માંગ જોવા મળી રહી છે. ખેલૈયાઓ આ ખાસ વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમવા આતુર હોય છે, જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા કારીગરોની રોજીરોટીમાં પણ વધારો થયો છે.
સ્થાનિક કારીગરોને રોજગારી
થાનગઢના દરજી અમિતભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આ કામ કરી રહ્યા છે. તેઓ જાતે જ ચણિયાચોળી અને કોટી બનાવીને વેચાણ કરે છે અને આ વ્યવસાય સાથે જોડાયેલા અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે. ઝાલાવાડના પરંપરાગત પહેરવેશ જેવા કે કેડિયા, કાંબી, કોટી અને ચણિયાચોળીમાં સુંદર દેશી ભરતકામ કરવામાં આવે છે, જે તેને અનન્ય બનાવે છે.
આ વસ્ત્રોની કિંમત તેના પર કરવામાં આવેલા ભરતકામ અને ડિઝાઈન પર આધાર રાખે છે. એક કોટીની કિંમત ₹1000 થી શરૂ થઈને ₹2000 સુધીની હોય છે, જ્યારે ચણિયાચોળીની કિંમત ₹1000 થી લઈને ₹5000 સુધીની હોય છે. આ વસ્ત્રોની માંગ માત્ર થાનગઢ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેની ખૂબ જ માંગ રહે છે.
એક ચણિયાચોળી તૈયાર કરવામાં એકથી પાંચ દિવસનો સમય લાગી શકે છે, અને જો ભરતકામ વધુ હોય તો સમય વધુ પણ લાગી શકે છે. આ કામ માત્ર કલા નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો એક ભાગ છે, જે નવરાત્રીના તહેવારને વધુ રંગીન બનાવે છે.
