કચ્છમાં બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી
Live TV
-
રાજ્યમાં ધીમે-ધીમે ઠંડીનું જોર વધી રહ્યું છે, ત્યારે વેસ્ટર્ન ડિસ્ટબર્નસના કારણે ઉત્તર ભારતના જમ્મુ-કાશ્મીર,શિમલા સહિતના વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોને કારણે રાજ્યમાં હાડ થીજવીતી ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે કચ્છમાં આજે અને આવતીકાલે કાતિલ ઠંડીની આગાહી આપી છે. કચ્છ જિલ્લામાં આગામી 24 કલાકમાં શીત લહેરની અસર જોવા મળશે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતાં પવનની અસર કચ્છમાં વર્તાવા લાગી છે.અબડાસા પંથક પણ ઠંડુગાર બની ગયું છે.આજે નલિયામાં લઘુતમ તાપમાનનો પારો 7.4 ડિગ્રી નોંધાયું હતો, જે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. કંડલા એરપોર્ટ પર 13 ડિગ્રી, ભુજમાં 14 ડિગ્રી તેમજ કંડલા પોર્ટ પર 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહી અનુસાર કચ્છના નલિયા ઉપરાંત ભુજ, માંડવી, મુન્દ્રા, નખત્રાણા સહિતનાં વિસ્તારોમાં બે દિવસ શીત લહેરની સ્થિતિ રહેશે. ઠંડીના કારણે કચ્છમાં વહેલી સવારે તેમજ સાંજના સમયે રોડ-રસ્તાઓ પર લોકોની અવર-જવર પણ નહિવત જોવા મળે છે, તેમજ જિલ્લાનાં મુખ્ય શહેર ભુજનાં બજારો પણ વહેલા બંધ થઈ જાય છે.