એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ
Live TV
-
એ.આર.રહેમાન પર 'શિવ સ્તુતિ' ધૂન ચોરીનો આરોપ, 2 કરોડ રૂપિયાનો દંડ, કોર્ટે નોટિસ ફટકારી
પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ 'પોનીયિન સેલ્વન 2'ના ગીત 'વીરા રાજા વીરા' સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે.
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉસ્તાદ ફૈયાઝુદ્દીન વસીફુદ્દીન ડાગરે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે 'વીરા રાજા વીરા' ગીતની ધૂન તેમના પિતા નાસિર ફૈયાઝુદ્દીન ડાગર અને કાકા નાસિર ઝહીરુદ્દીન ડાગર દ્વારા રચિત 'શિવ સ્તુતિ'માંથી નકલ કરવામાં આવી છે.
તેમનો દાવો છે કે ગીતના બોલ અલગ હોઈ શકે છે, પરંતુ એની લય અને બીટ્સ 'શિવ સ્તુતિ' સાથે બિલકુલ મેળ ખાય છે અને તેમને કે તેમના પરિવારને ક્યારેય શ્રેય આપવામાં આવ્યો નથી.
કોર્ટે સુનાવણી આપી કે આ ગીત 'શિવ સ્તુતિ'ની સંપૂર્ણ નકલ છે અને તેમાં ફક્ત થોડા ફેરફારો કરવામાં આવ્યા છે. રહેમાન અને પ્રોડક્શન કંપનીએ તેમના કામ માટે કોઈ શ્રેય આપ્યો ન હતો.
કોર્ટે સ્પષ્ટ કહ્યું કે ડાગર પરિવારમાંની રચનાનો યોગ્ય શ્રેય વગર ઉપયોગ કરવો કોપિરાઇટનું ઉલ્લંઘન છે.
2 કરોડ રૂપિયાનો દંડ ફટકારતા કોર્ટે નિર્દેશ આપ્યો કે તમામ OTT પ્લેટફોર્મ્સ અને ઓનલાઈન માધ્યમોમાં સ્પષ્ટ રીતે લખવું પડશે કે આ રચના સ્વર્ગસ્થ ઉસ્તાદ નાસિર ફૈયાજુદ્દીન ડાગર અને ઉસ્તાદ નાસિર જાહિરુદ્દીન ડાગરની 'શિવ સ્તુતિ' પર આધારિત છે એટલું જ નહીં, ડાગર પરિવારને 2 લાખ રૂપિયાનું વળતર પણ ચૂકવવું પડશે.
કોર્ટે કહ્યું છે કે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની મૂળ રચનાઓ કોપિરાઇટ કાનૂન હેઠળ સુરક્ષિત છે અને જેમની પોતાની રચના હોય તેને સંપૂર્ણ કાનૂની હક મળશે.
જ્યારે એ.આર. રહેમાને આ આરોપોને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે 'વીરા રાજા વીરા' એક સંપૂર્ણ મૂળ રચના છે. તે પશ્ચિમી સંગીતના સિદ્ધાંતોનો ઉપયોગ કરીને 227 વિવિધ લેયર્સ સાથે તૈયાર કરવામાં આવી છે, જે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની પરંપરાઓથી નોંધપાત્ર રીતે અલગ છે. રહેમાનની આ દલીલોને ફગાવી દેતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે.