'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો: શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મોને આપી મ્હાત, હવે મોટા રેકોર્ડ્સ પર નજર
Live TV
-
આદિત્ય ધરની ફિલ્મ 'ધુરંધર: ધ રિવિંજ'એ બોક્સ ઓફિસ પર જે પ્રકારની પકડ બનાવી છે, તેણે માત્ર દર્શકોનું ધ્યાન જ નથી ખેંચ્યું, પરંતુ ઇન્ડસ્ટ્રીના મોટા-મોટા રેકોર્ડ્સને પણ પડકાર આપ્યો છે. ખાસ વાત એ છે કે બીજા સપ્તાહમાં પહોંચ્યા પછી પણ ફિલ્મની કમાણીની રફ્તાર થંભી નથી. હવે આ ફિલ્મ એ ગણીગાંઠી ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે, જેણે ઓછા સમયમાં 1000 કરોડ ક્લબ તરફ ઝડપથી ડગ માંડ્યા છે.
કમાણીના આંકડા પર નજર કરીએ તો, 'ધુરંધર 2' એ બોક્સ ઓફિસ પર પહેલા દિવસથી જ શાનદાર શરૂઆત કરી અને પોતાની કમાણીથી સૌને ચોંકાવી દીધા. ફિલ્મે પહેલા દિવસે (ગુરુવારે) 102.55 કરોડ રૂપિયાનું જબરદસ્ત ઓપનિંગ લીધું. બીજા દિવસે (શુક્રવારે) ફિલ્મે 80.72 કરોડ કમાયા. જ્યારે ત્રીજા દિવસે (શનિવારે) આ આંકડો વધીને 113.00 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. પહેલા રવિવારે ફિલ્મે સૌથી મોટો ઉછાળો બતાવતા 114.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.
પહેલા વીકેન્ડ પછી પણ ફિલ્મની કમાણી મજબૂત રહી. પાંચમા દિવસે (સોમવારે) 65.00 કરોડ, છઠ્ઠા દિવસે (મંગળવારે) 56.60 કરોડ અને સાતમા દિવસે (બુધવારે) 48.75 કરોડ રૂપિયાની કમાણી નોંધાઈ હતી. ત્યારબાદ આઠમા દિવસે (ગુરુવારે) ફિલ્મે 49.70 કરોડનું કલેક્શન કર્યું. જોકે નવમા દિવસે (શુક્રવારે) થોડો ઘટાડો જોવા મળ્યો અને કમાણી 41.75 કરોડ રહી, પરંતુ બીજા શનિવારે ફિલ્મે ફરીથી જોરદાર વાપસી કરી અને 62.85 કરોડ રૂપિયા કમાઈ લીધા.
આ રીતે 10 દિવસમાં 'ધુરંધર: ધ રિવિંજ'નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 778.77 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે વિશ્વભરમાં તેનું કલેક્શન 1226.44 કરોડ રૂપિયા નોંધાયું છે.
આ શાનદાર પ્રદર્શનના જોરે 'ધુરંધર 2' એ ઘણી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે. વર્લ્ડવાઈડ કલેક્શનની બાબતમાં ફિલ્મે શાહરૂખ ખાન સ્ટારર 'જવાન' (1,160 કરોડ) અને 'પઠાન' (1,055 કરોડ) જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પાછળ છોડી દીધી છે. આ ઉપરાંત ફિલ્મ 'KGF: ચેપ્ટર 2'ના 1215 કરોડ રૂપિયાના કલેક્શનને પણ પાર કરી ચૂકી છે. હવે ફિલ્મની નજર 'RRR'ના રેકોર્ડ પર છે, જેણે વિશ્વભરમાં અંદાજે 1,230 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો હતો. માનવામાં આવે છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં આ રેકોર્ડ પણ તોડી નાખશે.
જો કે હજુ પણ 'બાહુબલી 2' (અંદાજે 1,788.06 કરોડ) અને 'દંગલ' (2,070.3 કરોડ) ટોચ પર યથાવત છે. આ બંને ફિલ્મોના રેકોર્ડ તોડવા સરળ નથી, પરંતુ જે રીતે 'ધુરંધર 2' સતત ધૂમ કમાણી કરી રહી છે, તેનાથી આશા સેવાઈ રહી છે કે આ ફિલ્મ પણ આ ઐતિહાસિક આંકડાઓને પડકાર આપી શકે છે.
'ધુરંધર 2'માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે. તેમના સિવાય આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત, રાકેશ બેદી અને સારા અર્જુન જેવા કલાકારોએ પણ ફિલ્મમાં મહત્વના રોલ ભજવ્યા છે.
