મહાત્મા ગાંધીના પાત્રમાં ઢળ્યા મનોજ બાજપેયી, ફર્સ્ટ લુક જાહેર
Live TV
-
અભિનેતા મનોજ બાજપેયી ટૂંક સમયમાં પડદા પર મહાત્મા ગાંધીના પાત્રમાં જોવા મળવાના છે. સુધીર મિશ્રાના નિર્દેશનમાં બની રહેલી આગામી ઐતિહાસિક ડ્રામા ફિલ્મમાંથી તેમનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. તસવીરમાં મનોજ બાજપેયી ગાંધીજીના રૂપમાં સંપૂર્ણપણે બદલાયેલા જોવા મળી રહ્યા છે. તેમના લુકની સાથે સાથે બોડી લેંગ્વેજમાં પણ ગાંધીજીની ઝલક દેખાઈ રહી છે. ફર્સ્ટ લુક સામે આવ્યા પછી સોશિયલ મીડિયા પર ફિલ્મ અને અભિનેતાના ટ્રાન્સફોર્મેશનને લઈને ચર્ચા તેજ બની ગઈ છે.
ફિલ્મની વાર્તા આઝાદીના સમયગાળા સાથે જોડાયેલા 21 દિવસના એક ઓછા જાણીતા ઘટનાક્રમ પર આધારિત હોવાનું કહેવાય છે. મનોજ બાજપેયી પહેલીવાર મહાત્મા ગાંધીની ભૂમિકા ભજવી રહ્યા છે, આવા સંજોગોમાં તેમના લુકને લઈને શરૂઆતથી જ દર્શકોમાં ઉત્સુકતા હતી. સામે આવેલી તસવીરમાં તેમનો ઇન્ટેન્સ અંદાજ અને પાત્ર માટે કરવામાં આવેલું ટ્રાન્સફોર્મેશન ખાસ કરીને ધ્યાન ખેંચી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં તેમની સાથે અભિનેતા સૌરભ શુક્લા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્દેશનની જવાબદારી સુધીર મિશ્રાએ સંભાળી છે, જેમને 'હજારો ખ્વાહિશેં ઐસી' અને 'ધારાવી' જેવી ફિલ્મો માટે ઓળખવામાં આવે છે.
આ ફિલ્મ માટે હિન્દી સિનેમાના ઘણા અનુભવી નામો એકસાથે આવ્યા છે. અનુભવ સિન્હા અને નરેન્દ્ર હિરાવત બનારસ મીડિયા વર્ક્સના બેનર હેઠળ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે, જ્યારે એનએચ સ્ટુડિયોઝ તેને પ્રસ્તુત કરી રહ્યું છે. અનુભવ સિન્હા નિર્માતા તરીકે 'મુલ્ક', 'આર્ટિક 15' અને 'થપ્પડ' જેવી ફિલ્મો સાથે સંકળાયેલા રહ્યા છે. મહાત્મા ગાંધી જેવા ઐતિહાસિક વ્યક્તિત્વના પાત્રમાં મનોજ બાજપેયીનું જોવા મળવું અને સુધીર મિશ્રાનું નિર્દેશન આ ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા વધારી રહ્યું છે.
