‘વિશ્વ નૃત્ય દિવસ’ની આગોતરી ઉજવણી કરાઇ
Live TV
-
મીરાનાં પદ ‘મુખડાની માયા લાગી રે...’ની ‘કાવ્યાત્મક નૃત્ય’ પ્રસ્તુતિમાં નવતર પ્રયોગ કરીને સંવિત્તિ ફાઉન્ડેશને નારી સંરક્ષણ ગૃહ, વડોદરાની બહેનો સાથે કરેલી ‘વિશ્વ નૃત્ય દિવસ’ની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી.
૨૯ એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિનની આગોતરી ઉજવણી સંવિત્તિ ફાઉન્ડેશને મીરાનાં પદને આધારે ‘કાવ્યાત્મક નૃત્ય’નો નવતર પ્રયોગ કરીને વડોદરા ખાતે આવેલ નારી સંરક્ષણ ગૃહની બહેનો સાથે કરી હતી. મહિલાઓને શક્ય તેટલી રીતે સાહિત્ય સાથે સાંકળવાનો સંવિત્તિ ફાઉન્ડેશનનો આશય છે. આ હેતુને અનુસરીને સંરક્ષણ ગૃહની બહેનોને મીરાબાઈનાં પદનું પઠન, આસ્વાદ અને શ્રવણ કરાવ્યાં પછી પદ આધારિત નૃત્ય કરાવીને સંવિત્તિ ફાઉન્ડેશને આંતરરાષ્ટ્રીય નૃત્ય દિનની અનોખી ઉજવણી કરી હતી. કવિ-વિવેચક ડો. દર્શિની દાદાવાલાએ બહેનોને પઠન-આસ્વાદ અને ચર્ચાનાં માધ્યમથી મીરાનું પદ ‘મુખડાની માયા લાગી રે...’ની નજીક લઈ ગયા હતા અને ત્યારબાદ ભરત નાટ્યમના પ્રસિધ્ધ નૃત્યાંગના, પ્રો. પારૂલ શાહે પદ આધારિત કાવ્યાત્મક નૃત્ય માટે બહેનોને માર્ગદર્શન આપ્યું હતું.
સંવિત્તિ ફાઉન્ડેશન સાહિત્ય થકી બહેનોના આંતરિક સશક્તિકરણની પ્રક્રિયાને ગતિશીલ કરવા માંગે છે. રોજબરોજની ઘટમાળથી દૂર જઈને, સંવિત્તિ ફાઉન્ડેશનના આજના આ નવતર પ્રયોગે, સંરક્ષણ ગૃહની બહેનોના જીવનમાં અર્થપૂર્ણ અને સૂક્ષ્મ સ્તરે પ્રદાન કર્યું છે. તત્કાલીન સામાજિક માળખું અને એની મર્યાદાઓથી ઉપર ઊઠીને મીરાબાઈએ સર્જનાત્મક અને ભક્તિને સમર્પિત જીવન જીવવાનું પસંદ કર્યું હતું તે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આ કારણે મીરાબાઈનું જીવન અને કવન બહેનો માટે સદીઓથી પ્રેરણા અને પોષણનો સ્રોત રહ્યા છે. મીરાબાઈનું પદ ‘મુખડાની માયા લાગી રે’નો આસ્વાદ અને અનુરૂપ નૃત્ય સંરક્ષણ ગૃહની બહેનો માટે ભાવનાત્મક રીતે બળદાયી સાબિત થયું છે અને સર્જનાત્મક રીતે જીવન જીવવાની દિશામાં આ બહેનોનું પહેલું પગલું છે જે અભિનંદનને પાત્ર છે. સમાજ એમની આ પહેલને પ્રોત્સાહન આપશે એવી અપેક્ષા છે એવું સંવિત્તિ ફાઉન્ડેશનના પ્રથમ ટ્રસ્ટી અને સભ્ય, મેનેજિંગ કમિટી, ડો. દર્શિની દાદાવાલાએ કહ્યું હતું.
સંવિત્ત ફાઉન્ડેશને ‘કાવ્યાત્મક નૃત્ય’ના નવતર પ્રયોગ દ્વારા સંરક્ષણ ગૃહની બહેનો માટે કલા થકી ઉજવણીની એક વિશિષ્ટ તક ઊભી કરી, એવાં વાતાવરણનું સર્જન કર્યું કે જે તેમનાં માટે ઘણી હદે પ્રોત્સાહક બન્યું છે. સંવિત્તિ ફાઉન્ડેશનને એ વાતની ખાતરી છે કે આ પ્રયોગ નારી સંરક્ષણ ગૃહની બહેનો સાથે ભવિષ્યમાં થનારી અનેક આ જ પ્રકારની પ્રવૃત્તિઓની દિશામાં એક કલાત્મક શરૂઆત જ છે જે એમનાં જીવનમાં સર્વાંગીણ વિકાસની શક્યતાઓને વિસ્તરવા માટેનું અનુકૂળ વાતાવરણ રચી આપશે. ભાવનાત્મક, બૌધ્ધિક અને આધ્યાત્મિક વિકાસ માટે સંરક્ષણ ગૃહની મહિલાઓને સાહિત્ય અને અન્ય કલાઓ સાથે સંકળાઈને જીવન જીવવા માટે સંવિત્તિ ફાઉન્ડેશને આ પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.