અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા રાજ્યમાં ટ્રાફિક શિસ્ત સુનિશ્ચિત કરતી ગુજરાત સરકાર
Live TV
-
ગુજરાત સરકાર 'સેફ ગુજરાત કેમ્પેઈ' અને અત્યાધુનિક CCTV ટેકનોલોજી દ્વારા ટ્રાફિક શિસ્ત અને માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરી રહી છે. ડિજિટલ ઇન્ડિયાના વિઝન હેઠળ ઇ-ચલાણ અને પરિવહન પોર્ટલના ઉપયોગથી છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. 581 કરોડથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સિસ્ટમનો મુખ્ય હેતુ માત્ર દંડ વસૂલવાનો નહીં, પરંતુ અકસ્માતો ઘટાડી નાગરિકોના જીવ બચાવવાનો અને કાયદો-વ્યવસ્થા મજબૂત કરવાનો છે.
મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે, કારણ કે દરેક વ્યક્તિ ઉતાવળમાં હોય છે અને ટ્રાફિકના નિયમો તોડીને આગળ નીકળવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત સરકારે આ સમસ્યાને પહોંચી વળવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો સહારો લીધો છે.
આ માટે રાજ્ય પોલીસ દ્વારા 'સેફ ગુજરાત કેમ્પેઈ' અંતર્ગત શહેરોમાં અત્યંત વ્યસ્ત ચાર રસ્તાઓ અને રસ્તાઓ પર મોટી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આ CCTV પર નજર રાખવા માટે ટ્રાફિક મોનિટરિંગ સેન્ટર પણ બનાવવામાં આવ્યા છે. ટ્રાફિક મૂવમેન્ટ મોનિટરિંગ અને ચલાણ ભરવાની પ્રક્રિયાના ડિજિટલાઇઝેશનથી જ્યાં ટ્રાફિકને નિયંત્રિત કરવામાં મદદ મળી રહી છે, ત્યાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની આદત પણ સુધરી રહી છે.
અમદાવાદના રહેવાસી રવીન્દ્ર પટેલે જણાવ્યું કે, "હું બોપલમાં રહું છું. ઘરેથી દુકાન જવા નીકળ્યો હતો, પરંતુ ભૂલથી હેલ્મેટ ઘરે રહી ગયું, ત્યારબાદ ટ્રાફિક પોલીસે મારું ઈ-ચલાણ કાપ્યું. ઈ-ચલાણ ભરવા માટે હું સાયબર કંટ્રોલ રૂમ આવ્યો હતો, જ્યાં મેં તરત જ મારું ઈ-ચલાણ ભરી દીધું."
અમદાવાદના જ અન્ય એક રહેવાસી વ્યોમેશ બાબુલાલે જણાવ્યું કે, "સરકારે જે નિયમો બનાવ્યા છે તે આપણા ભલા અને સુરક્ષા માટે છે. મને પણ ઈ-મેમો મળ્યો હતો અને મેં તે ભરી દીધો છે. નોટિસ મારા ઘરે આવી હતી, પરંતુ મેં પોતે ઓફિસ આવીને બે મિનિટમાં ચલાણ ભરી દીધું. આ ઘટનાથી મને પાઠ મળ્યો છે અને હવે હું આગળથી આવી ભૂલ નહીં કરું."
નોંધનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ડિજિટલ ઇન્ડિયા'ના વિઝન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ‘પરિવહન પોર્ટલ’અને ‘ઈ-ચલાણ સિસ્ટમ’દ્વારા ટ્રાફિક નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ જ કારણે રાજ્યમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી વર્ષ 2023માં કુલ ₹153 કરોડ 78 લાખ, વર્ષ 2024માં ₹195 કરોડ 87 લાખ, જ્યારે વર્ષ 2025માં અંદાજે ₹231 કરોડની મહેસૂલી આવક થઈ છે.
ત્રણ વર્ષમાં 581 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વાહન ચાલકોના લગભગ 1 કરોડ 45 લાખ ચલાણ કાપવામાં આવ્યા હતા. આંકડા મુજબ, વર્ષ 2025માં જ એકલા 85 લાખ 71 હજારથી વધુ ચલાણ કાપવામાં આવ્યા, જેમાંથી 76 લાખ 46 હજાર ચલાણ ઓનલાઇન મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન માત્ર અમદાવાદમાં જ 40 લાખ 20 હજાર ચલાણ કાપવામાં આવ્યા હતા.
અમદાવાદના ટ્રાફિક DCP નરેશ કંજારીયાએ જણાવ્યું કે, "અમદાવાદ શહેરમાં ખાસ કરીને સમગ્ર શહેરમાં ડિજિટલાઇઝેશનની ખૂબ જ જરૂર હતી અને તેનાથી મોટી સફળતા પણ મળી રહી છે. આના કારણે વિશેષ કરીને કંટ્રોલ રૂમ દ્વારા ઈ-મોનિટરિંગ જારી કરવામાં આવી રહ્યું છે, જેથી જે વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે." તેમણે ઉમેર્યું કે, CCTV કેમેરાના ઉપયોગથી હવે પોલીસને જીવલેણ અકસ્માતો અને મોટી ગુનાહિત ઘટનાઓ પર નજર રાખવામાં પણ મદદ મળી રહી છે. ડિજિટલાઇઝેશનને કારણે મોનિટરિંગ વ્યવસ્થા ઘણી મજબૂત બની છે અને તેનાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ મોટો ફાયદો થયો છે.
તેમણે જણાવ્યું કે વાહન ચાલકોને મુખ્યત્વે હેલ્મેટ વગર ટુ-વ્હીલર ચલાવવા, રોન્ગ સાઈડ ડ્રાઈવિંગ અને ખોટા પાર્કિંગના કિસ્સામાં ચલાણ મોકલવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, 'સેફ ગુજરાત કેમ્પેઈ'નો હેતુ આવકમાં વધારો કરવાનો નથી, પરંતુ માર્ગ સુરક્ષા અને નાગરિકોના જીવ બચાવવાનો છે, કારણ કે CCTV દ્વારા પોલીસને એ પણ ખબર પડે છે કે અકસ્માત ક્યાં થયો છે, જેથી પીડિતને તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય છે.
ગુજરાત સરકારની સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ પ્રોસેસ અને ઓનલાઇન ચલાણ પ્રક્રિયા જ્યાં વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલન પ્રત્યે જાગૃત બનાવી રહી છે, ત્યાં રાજ્યમાં એક શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરવામાં પણ અસરકારક સાબિત થઈ રહી છે.
