અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વૃક્ષારોપણ કાર્યક્રમનું કર્યું ઉદ્ધાટન, 405 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે રવિવારે(12 જુલાઈ) ગુજરાતના અમદાવાદમાં 'મિશન ફાઈવ મિલિયન ટ્રીઝ' અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનો શુભારંભ કર્યો. આ દરમિયાન તેમણે અંદાજે 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોલા, સાયન્સ સિટી ખાતે આવેલા વિજ્ઞાન ભવનમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહનું મંચ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 101 ઓક્સિજન પાર્ક અને હેરિટેજ પાર્કનું ઈ-લોકાર્પણ કર્યું. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઓડા (AUDA) અને માર્ગ-મકાન વિભાગના અંદાજે 405 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું પણ તેમણે ઈ-લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર હિતેશ બારોટ, રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેશનના પદાધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકસાવવામાં આવેલા 101 ઓક્સિજન પાર્કમાં અંદાજે 9 લાખ 66 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 22 લાખ 71 હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આમાંથી 62 પાર્ક ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં છે, જ્યાં લગભગ 16 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ પાર્કથી શહેરમાં હરિયાળી વધશે, વાયુની ગુણવત્તા સુધરશે, પ્રદૂષણ અને શહેરી ગરમીમાં ઘટાડો થશે, તેમજ નાગરિકોને યોગ, વોકિંગ અને મનોરંજન માટે ઉત્તમ સ્થળ મળી રહેશે.
આ ઓક્સિજન પાર્કમાંથી 45 પાર્કમાં બાળકો માટે પ્લે એરિયા અને 19 પાર્કમાં રમતગમતની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે. સાથે જ, વરસાદી પાણીનો સંગ્રહ, ભૂગર્ભ જળ રિચાર્જ અને જૈવવિવિધતાને પ્રોત્સાહન આપવામાં પણ આ પાર્ક મહત્વની ભૂમિકા ભજવશે.
આ ઉપરાંત, 80 નવી એર-કન્ડિશન્ડ ઈલેક્ટ્રિક બીઆરટીએસ (BRTS) બસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેબીએમ (JBM) કંપની દ્વારા જીસીસી (GCC) મોડલ હેઠળ સંચાલિત આ બસો પાછળ દર વર્ષે અંદાજે 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ બસો શરૂ થવાથી મુસાફરોને આધુનિક, આરામદાયક, વાતાનુકૂલિત અને પ્રદૂષણ મુક્ત મુસાફરીની સુવિધા મળશે.
હાલમાં અમદાવાદ બીઆરટીએસ પાસે કુલ 333 બસો છે, જેમાં 200 ઈલેક્ટ્રિક બસો અગાઉથી કાર્યરત છે. હવે પ્રથમ તબક્કામાં 80 નવી ઈલેક્ટ્રિક એસી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં સંપૂર્ણ બીઆરટીએસ સેવાને ઈલેક્ટ્રિક ફ્લીટમાં બદલવાની યોજના છે. આ માટે એએમટીએસ (AMTS) અને બીઆરટીએસ માટે કુલ 325 ઈલેક્ટ્રિક એસી બસોને મંજૂરી પહેલેથી જ આપવામાં આવી ચૂકી છે.
