અમદાવાદમાં લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ ખાતે યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા
Live TV
-
યુવાનોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા તથા પ્રથમ વાર મતદાન કરનાર યુવા મતદારો અચૂક મતદાન માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્વીપ એક્ટિવિટી અંતર્ગત અનેક જગ્યાએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
આ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરના વિસ્તાર લો ગાર્ડન પાસેની હેપી સ્ટ્રીટ ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રવિવારે સવારના સમયે હેપી સ્ટ્રીટ ખાતે ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ એકઠા થતા હોય છે અને અવનવી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય છે ત્યારે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા યુવાઓને મતદાન પર્વમાં સહભાગી થવા પ્રેરિત કરવા અનોખા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. યુવાનોને તેમની જ રસપ્રદ શૈલીમાં દેશહિત માટે મતદાનના મહત્ત્વ વિશેની સમજ આપી હતી. આ પ્રસંગે ફર્સ્ટ ટાઇમ વોટ કરનારા યુવાનોએ અચૂક મતદાનના શપથ લીધા હતા.
વધુમાં આ યુવાનો દ્વારા સિગ્નેચર કેમ્પેઇન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવાનોએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો અને પોસ્ટર્સ જેવા કે, દસ મિનિટ દેશ માટે વોટ ફોર સ્યોર ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જેવાં વિવિધ સૂત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે યુવાનોએ રોડ પર મતદાન જાગૃતિનો સંદેશ આપતી વિવિધ સુંદર રંગોળી કંડારી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. યુવાનોએ સંગીતના તાલ પર નૃત્ય પણ કર્યું હતું.જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારના અવનવા કાર્યક્રમો થકી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. આગામી દિવસોમાં શહેરના અનેક આઇકોનિક સ્થળ ખાતે મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરી યુવાઓને લોકશાહીના મહાપર્વના સહભાગી થવા પ્રોત્સાહિત કરવામાં આવશે.