અમદાવાદ: અમેરિકન નાગરિકોને નિશાન બનાવતું ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું
Live TV
-
અમદાવાદ પોલીસે ગુરુવારે(7 મે) નરોડા વિસ્તારમાં એક રહેણાંક ફ્લેટમાંથી ચાલતા ગેરકાયદેસર ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને એક કાલ્પનિક લોન કંપનીના પ્રતિનિધિ બનીને છેતરવામાં આવતા હતા અને લોન પ્રોસેસિંગ ફીના નામે નાણાં પડાવવામાં આવતા હતા.
નરોડા પોલીસની ટીમે કરાઈકટ ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. સબ-ઇન્સ્પેક્ટર વી.આર. ચૌધરી અને તેમની ટીમ દ્વારા નરોડાની ‘આત્રેય ઇવાન-3’ સોસાયટીના ફ્લેટ નંબર 607માં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર, દરોડા દરમિયાન ફ્લેટમાં પાંચ વ્યક્તિઓ લેપટોપ, મોબાઈલ ફોન અને હેડસેટ સાથે સંપૂર્ણ કાર્યરત કોલ સેન્ટર ચલાવતા મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ "એડવાન્સ અમેરિકા" નામની કંપનીના કર્મચારીઓ હોવાનો ઢોંગ કરી અમેરિકન નાગરિકોને નિશાન બનાવતા હતા.
આ ગેંગ ગેરકાયદેસર રીતે મેળવેલા ડેટાબેઝનો ઉપયોગ કરીને અમેરિકન રહેવાસીઓને લોન મંજૂરીના ખોટા દસ્તાવેજો મોકલી તેમનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ, પીડિતોને તેમની લોન મંજૂર થઈ ગઈ હોવાનું કહીને તેમની પાસેથી સોશિયલ સિક્યુરિટી નંબર(SSN) જેવી સંવેદનશીલ વ્યક્તિગત માહિતી મેળવવામાં આવતી હતી.
આરોપીઓ લોન વિતરણ માટે "પ્રોસેસિંગ ફી" ની માંગણી કરતા હતા. આ નાણાં ગિફ્ટ કાર્ડ્સ દ્વારા લેવામાં આવતા હતા, જેને બાદમાં વચેટિયાઓ દ્વારા ભારતીય ચલણમાં રૂપાંતરિત કરવામાં આવતા હતા.
પોલીસે આ કેસમાં મનીષ જગદીશકુમાર (ઉં.વ.25), જયેશ મકવાણા (ઉં.વ.30), કૃણાલ ચાવલા (ઉં.વ.25), દિનેશ કલ્યાણી (ઉં.વ.33) અને એક સગીરની ધરપકડ કરી છે. આ ઉપરાંત મયુર મંગલાણી, સુજુલ મંગલાણી અને આશિષ ઉર્ફે કેવિન નામના શખસોની સંડોવણી પણ સામે આવી છે જેઓ નાણાંના વ્યવહારમાં મદદ કરતા હતા.
દરોડા દરમિયાન પોલીસે 5 લેપટોપ, 10 મોબાઈલ, 4 હેડફોન, પ્રિન્ટેડ કોલ સ્ક્રિપ્ટ અને નકલી લેટરપેડ સહિત કુલ રૂ. 2.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઝોન-4) અતુલ કુમાર બંસલે જણાવ્યું હતું કે, આ સમગ્ર રેકેટનો માસ્ટરમાઇન્ડ મનીષ છે. તે અગાઉ કેરળ અને ગોવામાં પણ આવા ગેરકાયદે કોલ સેન્ટર ચલાવી ચૂક્યો છે અને તાજેતરમાં જ અમદાવાદમાં તેનું નેટવર્ક શરૂ કર્યું હતું.
નરોડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, 2023 અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી, ગુનાહિત કાવતરું અને ઓળખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
