અમદાવાદ: થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઉપર ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું અમિત શાહે કર્યું ઉદઘાટન
Live TV
-
અમદાવાદ શહેરના થલતેજ- શીલજ- રાચરડા ચાર રસ્તા ઉપર રૂપિયા 55 કરોડના ખર્ચે નિર્મિત ચાર માર્ગીય રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉદઘાટન કર્યું હતું. ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ તેમ જ ભારત સરકારના રેલવે મંત્રાલય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્રની ભાગીદારીથી દેશના એક લાખ રેલવે ક્રોસીંગને ફાટક રહીત બનાવવાની કામગીરી ચાલી રહી છે. તેના ભાગરૂપે આ ઓવરબ્રિજનું નિર્માણ થયું છે. તેમણે જણાવ્યું હતું કે વાહન ચાલકોને હવે રેલવે ક્રોસીંગ પર અટકવું નહીં પડે. કેન્દ્રીય ગૃહમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગાંધીનગર મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અવિરતપણે થઈ રહ્યું છે.
