અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વીર બાલ દિવસ નિમિત્તે થલતેજ ગુરુદ્વારામાં આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વીર બાલ દિવસના અવસર પર અમદાવાદના થલતેજ ગુરુદ્વારાની ઉજવણીમાં સહભાગી થયા હતા
શીખ સંપ્રદાયના ગુરુ ગોવિંદસિંહજી ના બે નાના પુત્રોએ રાષ્ટ્ર અને ધર્મ રક્ષા માટે આપેલા બલિદાનની સ્મૃતિમાં 2022થી તા. 26 ડિસેમ્બરને દેશભરમાં વીર બાલ દિવસ તરીકે ઉજવાવામાં આવે છે.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે કહ્યું હતું કે, દેશના સ્વાભિમાન અને સ્વધર્મ રક્ષા માટે પરંપરાનું મહત્વનું યોગદાન ત્યાગ તપસ્યા અને બલિદાનથી ભરેલું છે. તેમણે ઉમેર્યું કે, વીર બાલ દિવસ દેશના યુવાનો અને બાળકોમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ પ્રેરિત કરનારો મહત્વપૂર્ણ દિવસ છે.
વીર બાલ દિવસ એ સંસ્કૃતિ અને માતૃભૂમિના રક્ષણ તથા સ્વાભિમાન ખાતર ધર્મ પરિવર્તન સામે ઝુકવાના બદલે પોતાના પ્રાણની આહુતિ આપવાની આપણી શૌર્યગાથાનું પ્રતીક છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પીએમ મોદીએ દેશમાં દશકોથી ચાલતી આવતી પરંપરાને ભારતીય સભ્યતા સાથે સુસંગત રીતે જોડી છે. દેશના બાળકોની વિશેષ ઉપલબ્ધિઓ, સાહસ અને સૌર્યને બિરદાવવા દર વર્ષે 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવે છે.
મુખ્યમંત્રી ગુરુદ્વારામાં યોજાયેલા શબદ કીર્તનમાં જોડાયા હતા અને ભક્તિભાવ પૂર્વક ગુરુ ગ્રંથ શાહેબના દર્શન પૂજન તેમણે કર્યા હતા. થલતેજ ગુરુદ્વારામાં કરવામાં આવતી લંગર સેવામાં જોડાઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભોજન પ્રસાદ પણ પીરસ્યો હતો.