આગામી બે દિવસ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની શક્યતા: હવામાન વિભાગ
Live TV
-
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
આગામી બે દિવસ દરમિયાન રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. માછીમારોને આગામી ત્રણ દિવસ દરિયો નહી ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જ્યારે રાજ્યમાં આગામી આઠમી ઓગસ્ટથી વરસાદનું જોર ધીમું પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 45 ટકા જેટલો વરસાદ નોંધવામાં આવ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યનાં અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલીના જાફરાબાદ અને આણંદના તારાપુરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે જૂનાગઢના માણાવદર અને માંગરોળમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. આણંદ, પેટલાદ, ખંભાત અને તારાપુરમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત બપોર બાદ વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠામાં દસ દિવસના વિરામ બાદ તલોદ અને ગાંભોઇમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગરમાં અને આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં વિજળીના કડાકા સાથે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. અમરેલીમાં ધાતરવડી ૧ ડેમ ઓવરફ્લો થયો છે તો ધાતરવડી ૨ ના પાંચ દરવાજા ખોલાયા છે. ખાંભા તાલુકાના રાયડી ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા છે. ધ્રાંગધ્રા, વઢવાણ. સુરેન્દ્રનગર તેમજ લીંબડી સહિતના તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણમા ઠંડક પ્રસરી છે. તાપી જિલ્લાના વ્યારામાં તેમજ આસપાસના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. પાટણના સરસ્વતી તાલુકામાં વરસાદનું આગમન થયું છે. લાંબા સમય બાદ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. અમદાવાદમાં પણ મેઘરાજાની એન્ટ્રી થતાં શહેરીજનોએ રાહત અનુભવી હતી.
