આજે લોકસભાના અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાશે, સવારે 11 વાગ્યે મતદાન થશે
Live TV
-
લોકસભામાં સ્પીકર પદ માટે આજે ચૂંટણી યોજાશે. તેમાં ભાજપના ઓમ બિરલા અને કોંગ્રેસના કે સુરેશ આમને-હામને હશે.
દેશના ઈતિહાસમાં પ્રથમ વખત લોકસભાના સ્પીકર માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ પદ માટે એક ઉમેદવાર ઓમ બિરલા છે, જે પૂર્વ લોકસભા અધ્યક્ષ અને NDA તરફથી ઉમેદવાર છે. જ્યારે બીજી તરફ કે. સુરેશ છે જે INDIA તરફથી લોકસભા સ્પીકર તરીકે ઉમેદવાર છે. બન્ને નેતાઓ પોતાનું નોમિનેશન ભર્યું છે. હવે આજે લોકસભાના અધ્યક્ષ માટે ચૂંટણી યોજાશે. લોકસભાના નંબરગેમની વાત કરીએ તો આ વખતે તસવીર 2014 અને 2019ના મુકાબલે અલગ છે. NDAની આગેવાની કરતી ભાજપ 240 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી છે, પરંતુ બે ચૂંટણી બાદ પાર્ટી પૂર્ણ બહુમત માટે જરૂરી 272નો જાદુઇ આંકડાથી પાછળ રહી ગઇ છે. લોકસભામાં NDAના 293 સભ્ય છે. વિપક્ષની વાત કરીએ તો કોંગ્રેસને 99 બેઠક પર જીત મળી હતી, પરંતુ રાહુલ ગાંધી બે બેઠક પરથી જીત્યા હતા આ હિસાબથી સાંસદોની સંખ્યા 98 હતી. રાહુલ ગાંધીએ વાયનાડની બેઠક છોડી દીધી છે. એવામાં પાર્ટીની બેઠક હવે 98 થઇ ગઇ છે. કોંગ્રેસની આગેવાની ધરાવતા INDIA ગઠબંધનના 233 સાંસદ છે. સાત અપક્ષ સહિત 16 અન્ય પણ ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા છે.
લોકસભા અધ્યક્ષ પદને લઈને વિપક્ષમાં અણબનાવ સર્જાયો છે. કોંગ્રેસના સાંસદ કે. સુરેશના નામાંકન પર તૃણમૂલ કોંગ્રેસ નારાજ છે. પાર્ટીનું કહેવું છે કે આ એકતરફી નિર્ણય છે. જ્યારે કોંગ્રેસે કહ્યું કે આ છેલ્લી ઘડીએ લેવાયેલ જરૂરી નિર્ણય છે. એટલે કે આજે લોકસભા અધ્યક્ષ પદને લઈને વિપક્ષની એકતાની પ્રથમ કસોટી થશે.
તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે અમારો સ્પીકર વિશે સંપર્ક કરવામાં આવ્યો ન હતો અને ન તો કોઈ ચર્ચા થઈ હતી. કમનસીબે, આ એકતરફી નિર્ણય છે. દરમિયાન કોંગ્રેસના મતે આ છેલ્લી ઘડીનો નિર્ણય છે. તેઓએ બપોરની સમયમર્યાદાની 10 મિનિટ પહેલા આ મુદ્દે નિર્ણય લેવાનો હતો.
