આવતીકાલે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ઇજનેરી સેવા વર્ગ-1,2 ની પરીક્ષા
Live TV
-
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ઇજનેરી સેવા વર્ગ-1,2 ની સ્પર્ધાત્મક પરીક્ષા આવતીકાલે સવારે 11 થી 18 કલાક દરમિયાન વડોદરા શહેરના કુલ ૦૭ પરીક્ષા કેન્દ્રો ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
વડોદરા શહેરમાં જે-જે કેન્દ્રો (સ્કૂલ/હાઇસ્કુલ) માં પરીક્ષા લેવાનાર છે, તે પરીક્ષા કેન્દ્રોની શાળાઓના પરીક્ષા ખંડની અંદર રવિવારના રોજ સવારે 10 થી 19 કલાક સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં ૧૦૦ મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. તથા પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં એવું પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમ-૧૮૬૦ ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે. જો કે પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત જાહેર સેવા આયોગના અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે.