ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં ઇડીના ગુજરાતમાં 23 જગ્યાએ દરોડા
Live TV
-
ગુજરાતમાં 200 બનાવટી કંપની ખોલીને કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ મામલે આજે ઇડી એ ગુજરાતમાં 23 જગ્યાએ દરોડા પાડ્યા છે. ઇડીએ અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ, રાજકોટ, સુરત અને કોડીનાર માં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
ગુજરાતમાં શેલ(બનાવટી) કંપનીના કેસમાં હવે ઇડીની એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં 200 બનાવટી કંપની ખોલીને કરોડોની ટેક્સ ચોરી કરવાના કેસમાં ઇડી એ સર્ચ ઓપરેશન હાથ ધર્યું . આ કેસમાં અગાઉ અમદાવાદના એક પત્રકાર સહિત અનેક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. અમદાવાદ પોલીસના સપાટા બાદ હવે કેન્દ્રીય એજન્સીએ પણ ઝંપલાવ્યું છે. ઇડીએ નવેસરથી ફરિયાદ દાખલ કરી રેડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ ઇન્ટેલિજન્સ (DGGI)એ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરના 14 જગ્યાએ રેડ કરી હતી. જેમાં કુલ 12 બોગસ પેઢીઓ બનાવનાર 33થી વધુ સંચાલકોની અટકાયત કરાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું છે.
સેન્ટ્રલ GST દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ફરિયાદના આધારે, અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળોએ ક્રાઈમ બ્રાન્ચ, EOW અને SOGની ટીમો દ્વારા દરોડા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર દેશમાં 200થી વધુ છેતરપિંડીથી બનાવેલી કંપનીઓ/એકમો સંગઠિત રીતે કામ કરી રહી છે, જેથી બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને અને પાસ કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં છે.
આ ફરિયાદને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને આર્થિક ગુના નિવારણ(EOW) શાખા દ્વારા રાજ્યવ્યાપી દરોડા પાડીને કરચોરી શોધવાની કવાયત હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જ 200 કરોડથી વધુના કૌભાંડની વિગતો સામે આવી હતી. આ તપાસમાં આ કૌભાંડોનો અને કૌભાંડીઓનો આંકડો વધે તેવી સંભાવના છે.
દેશભરમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં અગ્ર હરોળમાં રહે છે. તેવી જ રીતે કૌભાંડમાં પણ અગ્ર હરોળમાં છે. ગુજરાતમાં હાલ જીએસટી બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો 50 હજાર કરોડને પાર થઇ ગયો છે. જુદા જુદા કેસની તપાસ હાલ ચાલી રહી છે.
