ઉભા પાકની સલામતી માટે સમયસર પગલા લેવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Live TV
-
વરસાદી પાણીના નિકાલ, જંતુનાશક દવાઓના છંટકાવ, પશુઓના ઘાસચારા અને પીવાના પાણીની વ્યવસ્થા તથા યોગ્ય બિયારણ અને ખાતર નાંખવા અંગે જરૂરી માર્ગદર્શન
બંગાળના ઉપસાગરમાં હળવું દબાણ થતાં હવામાન વિભાગની આગાહી અનુસાર તા. ૨૫ ઓગષ્ટ સુધી પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ ઉભા પાકનું સંરક્ષણ, પશુધનની સલામતી તેમજ ખેત ઇનપુટ અને જણસીને સલામત રાખવા અને સુરક્ષા જાળવવા સહિતની કાળજી રાખવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
પાટણ જિલ્લામાં હાલમાં બીટી કપાસનું વાવેતર થયેલું છે ત્યારે વધુ વરસાદની શક્યતાઓ ધ્યાને લઈ ઉભા પાકને બચાવવો જરૂરી બને છે. આવા સંજોગોમાં સતત વરસાદના લીધે પાણી ભરાઇ રહેતું હોય તો ઉભા પાકના ખેતરમાં ભરાઇ રહેલા પાણીનો નિકાલ તાત્કાલિક કરવો તથા પાણીના નિકાલ માટે આગોતરૂં આયોજન કરવું. વરાપ થયેથી પુન આંતરખેડ કરવી જેથી પાકને પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને પાકનો યોગ્ય વિકાસ થાય તથા સુકારા અને મુળખાઇ જેવા રોગથી પાકને બચાવી શકાય.
બીટી કપાસના ઉભા પાક પૂરતું યુરિયા ખાતર આપવું, બીટી કપાસના ઉભા પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો. બીટી કપાસમાં હેક્ટરે પાંચની સંખ્યામાં ફેરોમેન ટ્રેપ ગોઠવવા અને ટ્રેપમાં સતત ત્રણ દિવસ સુધી ૮ ફુદા પકડાય તો ભલામણ મુજબ પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મીલી અથવા અન્ય ભલામણ કરેલ જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
કઠોળ, દિવેલા, તલ, શાકભાજી, જુવાર ઘાસચારો વગેરે ઉભા પાકમાં પાણી ભરાયેલ હોય તો નિતાર કરી દેવો અને ઉભા પાકમાં રોગગ્રસ્ત અને નબળા સુકા છોડ ઉપાડી નાંખવા. વરાપ થયે ઉભા પાકમાં આંતરખેડ અને હાથથી નિંદણમુક્ત રાખવુ.
નવું વાવેતર કરવાનું હોય ત્યારે ખેડુતોએ ટુંકાગાળામાં વધુ ઉત્પાદન આપતા વિસ્તારને અનુરૂપ પાક અને તેની જાતોનું પ્રમાણીત બીયારણનું વાવેતર કરવું. જેમાં પિયત વિસ્તાર માટે સુકાર પ્રતિકાર જાત દિવેલા જીસીએચ- ૭ નું વાવેતર કરવું તથા બીન પિયત વિસ્તારમાં દિવેલા- જીસીએચ-૨ નું વાવેતર કરવું. ઘાસચારાના પાકો તરીકે મકાઈ, ગુંદરી, જુ઼વાર, સોલાપુરી જુ઼વાર, માલવણ, પાકોનું વાવેતર કરવું. જમીનમાં સેન્દ્ગિય તત્વ પુરતા પ્રમાણમાં ઉમેરવું તથા આંતરપાક પઘ્ધતિ અપનાવી જોખમમાં ઘટાડો કરવો.
ખેતરને ફરતે પાળા બનાવી વરસાદનું પાણી જમીનમાં ઉતારવું. નિષ્ફળ ગયેલ કુવા, બોર યોગ્ય પઘ્ધતિથી રીચાર્જ થાય તે રીતે જળ અને જમીન સંરક્ષણના યોગ્ય પગલા લેવા. જમીન સમતળ કરવી અને મલ્ચીંગ કરવી. દરેક પાકના વિસ્તારને અનુરૂપ ભલામણ કરેલ પ્રમાણીત બિયારણનો ઉપયોગ કરવો. ભલામણ મુજબ બીજના દરનો ઉપયોગ ક્રવો.
વધુ વરસાદની પરિસ્થિતિમાં ઘાસચારાનો યોગ્ય સંગ્રહ કરવો તેમજ જાણવણી માટે તાડપત્રીનો ઉપયોગ કરવો તથા પશુઓના નિભાવ માટે વૈકલ્પિક આહાર યોજના, પશુઓને પીવાના પાણી જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે. પશુઓ માટેના ઢાળિયા કે કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે જોવું. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવું.
એ.પી.એમ.સી.માં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા વેપારી મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી જેથી જોખમ ટાળી શકાય. ઉભા પાકમાં હાલ તુરંત નાઇટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા ખાતર આપવાનું શક્ય હોય તો ટાળવું. વરસાદ કે પવનની આગાહી ધ્યાને લેતા મોબાઇલ ફોન, ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.
