એકતાનગરના 1000 આદિવાસી પરિવારો બનશે ઊર્જા આત્મનિર્ભર: 665 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત
Live TV
-
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાન્નિધ્યમાં વસતા આદિવાસી પરિવારોના જીવનમાં હવે 'ગ્રીન એનર્જી' દ્વારા પરિવર્તન આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2025 ના રાષ્ટ્રીય એકતા દિવસે કરેલી જાહેરાત મુજબ, ગરુડેશ્વર તાલુકાના 1000 પરિવારોને રસોઈ ગેસ માટે આત્મનિર્ભર બનાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 665 ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અમલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી પરિવારોને લાકડા અને LPG પરની નિર્ભરતામાંથી મુક્તિ અપાવવાનો છે. લઘુત્તમ ત્રણ પશુ ધરાવતા પરિવારોને 2 ઘન મીટર ક્ષમતાના પ્લાન્ટ ફાળવવામાં આવ્યા છે. દરરોજ 50 કિલો છાણના ઉપયોગથી ઉત્પન્ન થતો આ ગેસ આર્થિક રીતે ફાયદાકારક હોવાની સાથે ધુમાડાથી થતા આંખો અને શ્વાસના રોગોમાં પણ રાહત અપાવશે.આ પ્રોજેક્ટ માત્ર ઊર્જા જ નહીં, પરંતુ ખેતી માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીનો ઉપયોગ કુદરતી ખાતર તરીકે થતાં રાસાયણિક ખાતરનો ખર્ચ ઘટ્યો છે. સરકાર દ્વારા પ્રતિ પ્લાન્ટ 30 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. નર્મદા જિલ્લા પંચાયત અને DRDA દ્વારા બાકી રહેલા 335 પ્લાન્ટ વહેલી તકે પૂર્ણ કરવા માટે જિલ્લા પ્રશાસન સજ્જ છે. આ પહેલથી સ્થાનિક પરિવારો આર્થિક સધ્ધરતા સાથે પર્યાવરણ જતનમાં પણ ભાગીદાર બન્યા છે.
