Skip to main content
Settings Settings for Dark

કચ્છના માનકુવામાં વિશ્વશાંતિનો વૈભવી સંદેશ: પાંચ ગજરાજ સાથે નીકળેલી ઐતિહાસિક રેલીમાં માનવતાનો મહિમા ગુંજ્યો

Live TV

X
  • કચ્છના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક નકશા પર માનકુવા-નવાવાસ ગામે આજે એક અનોખું અને ઐતિહાસિક પાનું ઉમેરાયું, જ્યારે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભવ્ય વિશ્વશાંતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. માનવમાત્રમાં પ્રેમ, સહઅસ્તિત્વ, ભાઈચારો અને વૈશ્વિક શાંતિનો સંદેશ પહોંચાડતી આ રેલીમાં દેશ-વિદેશથી હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા.

    પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ વિશાળ યાત્રા જીએમડીસી ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી માનકુવા-નવાવાસ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરે પહોંચીને પૂર્ણાહુતિ પામી હતી. લગભગ બે કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતી આ રેલીમાં ભક્તિ, શાંતિ અને સંસ્કૃતિનો અદભુત સંગમ જોવા મળ્યો હતો.

    વિશ્વશાંતિ રેલીનું સૌથી વિશેષ આકર્ષણ પાંચ ગજરાજોની શોભાયાત્રા રહી હતી. હાથીને શાંતિ, સ્થિરતા અને ગૌરવનું પ્રતિક માનવામાં આવે છે, ત્યારે ગજરાજોની ઉપસ્થિતિએ સમગ્ર રેલીને અલૌકિક ભવ્યતા બક્ષી હતી. માર્ગભરમાં ભક્તો દ્વારા ભગવાનના જયઘોષ, ધૂન, કીર્તન અને શાંતિના સંદેશો ગુંજતા રહ્યાં હતા, જેના કારણે સમગ્ર શહેરમાં આધ્યાત્મિક ઉર્જાનો માહોલ છવાઈ ગયો હતો.

    આ પ્રસંગે મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસ સ્વામીએ સંદેશ આપતા જણાવ્યું હતું કે, આજના યુગમાં માનવતાની સુગંધ ફેલાવવાની અને દાનવતાના વિચારોને દફનાવી દેવાની તાતી જરૂર છે. વિશ્વમાં વધતી હિંસા, અશાંતિ અને સ્વાર્થ વચ્ચે આવી યાત્રાઓ સમાજને પ્રેમ, સહિષ્ણુતા અને પરસ્પર સન્માન તરફ દોરી જાય છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વશાંતિ માત્ર સૂત્ર નથી પરંતુ જીવનમૂલ્ય છે, જેને દરેક વ્યક્તિએ પોતાના વર્તનમાં ઉતારવાની જરૂર છે.

    શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વર્ષોથી માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈશ્વિક માનવ એકતા, ‘વસુધૈવ કુટુંબકમ’ અને વિશ્વબંધુત્વના સિદ્ધાંતોને જનજન સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે. માનકુવા જેવા ઐતિહાસિક ગામમાં યોજાયેલો આ મહોત્સવ એ આધ્યાત્મિક પરંપરા સાથે સામાજિક જાગૃતિનું અનોખું મિશ્રણ બની રહ્યો છે.

    અમૃત પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે મહોત્સવના યજમાન તરીકે ગીરીશભાઈ શીવજીભાઈ જાદવાભાઈ પરિવાર, ચંદ્રકાંતભાઈ વેલજીભાઈ વરસાણી પરિવાર તેમજ શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માનકુવા-નવાવાસના તમામ સભ્યો દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો. આયોજન, વ્યવસ્થા અને ભક્તજનોના આવકારમાં સંસ્થાનના સેવકોની નિષ્ઠા પણ પ્રશંસનીય રહી હતી.

    આ વિશ્વશાંતિ રેલી માત્ર ધાર્મિક કાર્યક્રમ નહોતી, પરંતુ સમગ્ર માનવજાતને એકતા, પ્રેમ અને શાંતિ તરફ આગળ વધવા માટેનું જીવંત આમંત્રણ બની હતી. માનકુવાની ધરતી પરથી ઉઠેલો આ સંદેશ હવે દેશવિદેશ સુધી ગુંજવાનો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply