કડકડતી ઠંડીથી રાહત, અમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું
Live TV
-
ગુજરાતમાં ઉત્તરાયણમાં કાતિલ ઠંડી પડ્યા બાદ હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સિંગલ ડિજિટમાં જે તાપમાન નોંધાતું હતું હવે ત્યાંનું તાપમાન ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાનું તાપમાન 10 ડિગ્રીને પાર થઈ ગયું છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં તો લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોંચ્યું છે. હાલ બપોરના સમયે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગની આગાહીમાં જણાવાયું છે કે, હજી બે દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. હાલ રાજ્યમાંથી ઠંડી એકાએક ગાયબ થઈ ગઈ છે. જાન્યુઆરીના બીજા પખવાડિયામાં જ્યાં શિયાળો પોતાનું અસલ રૂપ બતાવે તેવા સમયે ગુજરાતવાસીઓને એસી અને પંખા ચાલુ કરવાની જરૂર પડી છે.
રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાયું છે. ત્યારે હવે જાન્યુઆરીમાં પણ દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જે હજુ પણ આગામી બે દિવસ સુધી યથાવત રહેવાની શક્યતાઓ છે. એટલે કે, આગામી બે દિવસ દરમિયાન વાતાવરણમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નહિવત છે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો પૂર્ણ થતા અને ફરી એક વખત પવનની દિશા ઉત્તર તથા ઉત્તર પૂર્વ તરફથી થતી ભવાની સંભાવનાને કારણે લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. એટલે કે ફરી એક વખત ઠંડીનો અનુભવ થશે.
છેલ્લા ત્રણથી ચાર દિવસથી ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ છે કે, એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે.
આ ઉપરાંત તાજેતરમાં ગુજરાત ઉપર પૂર્વ તથા દક્ષિણ પૂર્વ દિશા તરફથી પવન જ ફૂકાઈ રહ્યા છે, જેને કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. પરંતુ બે દિવસ બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા પછી ફરી એક વખત તાપમાનમાં ઘટાડો નોંધાશે.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓના લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર આવ્યા નથી. તથા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાન યથાવત્ રહ્યું હતું. જેમાં અમદાવાદમાં 17 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 17.6 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.