કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સંવેદનશીલ, તાત્કાલિક પંચનામાનો આદેશ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદથી ખેતીના પાકને થયેલા નુકસાન અંગે સંવેદનશીલતા દાખવી છે. તેમણે ધરતીપુત્રોને ઉદારતમ મદદ કરવા માટે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. સીએમ પટેલે મુખ્ય સચિવ સહિતના અધિકારીઓને આદેશ આપ્યો છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી પંચનામું કરીને ત્રણ દિવસમાં તેનો અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ જોડાયા હતા. સરકારનો ધ્યેય ઝડપથી વિગતો મેળવીને ખેડૂતોને સહાયરૂપ થવાનો છે.
ગાંધીનગર | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણના અસાધારણ પલટાને કારણે ખેતીના પાકોને થયેલા વ્યાપક નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને તાત્કાલિક પગલાં લેવાના દિશાનિર્દેશો આપ્યા છે. સરકારે ધરતીપુત્રોની આ આપદાના સમયે તેમની પડખે ઊભા રહેવાની અને સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી સહાયતા કરવાની નેમ વ્યક્ત કરી છે.
ખેડૂતોને ઉદારતમ મદદ માટે સરકાર પ્રતિબદ્ધ
રાજ્યમાં છેલ્લા બે દાયકાઓથી વધુના સમયમાં ન થયો હોય તેવો કમોસમી વરસાદ આ વર્ષે થયો છે, જેના કારણે ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ અસાધારણ સંજોગોને ધ્યાનમાં રાખીને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોને ઉદારતમ મદદ આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રીએ આ કમોસમી વરસાદ અને તેની વ્યાપકતાને જોતા, ખાસ સંવેદના દાખવીને ખેડૂતોના હિતમાં મહત્વના આદેશો કર્યા છે. તેમણે મુખ્ય સચિવ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ને તાત્કાલિક સૂચના આપી કે:
- અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું પંચનામું કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે,
- આ કામકાજ માત્ર ત્રણ દિવસમાંપૂર્ણ થાય,
- કોઈપણ ખેડૂતને અડચણ ન થાય તે રીતે કામગીરી કરીને તેનો અહેવાલ તુરંત રાજ્ય સરકારને મોકલવામાં આવે,
આ આદેશો ઝડપથી અમલમાં મૂકાય તે માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને પણ તુરંત જાણ કરવાના આદેશો આપવામાં આવ્યા છે, જેથી ખેડૂતોને ઝડપથી સહયોગ મળી શકે.
ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકસાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે, વિગતો જેટલી ઝડપથી સરકારને મળશે, તેટલી જ ઝડપથી ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે, એવો સરકારનો ધ્યેય છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને સંબંધિત જિલ્લાઓના નુકસાનની વિગતો પૂરી પાડી હતી. મુખ્ય સચિવ એમ.કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, મહેસૂલ વિભાગના મુખ્ય સચિવ ડૉ. જયંતી રવી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
