કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ
ભારત-પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને અભેદ્ય બનાવવા માટે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ સતત સક્રિય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. રાજસ્થાનના બિકાનેર સેક્ટરની મુલાકાત લીધાના માત્ર એક જ અઠવાડિયાની અંદર હવે ગૃહમંત્રી મોડી રાત્રે ગુજરાતના વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા સરહદી જિલ્લા કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે આવી પહોંચ્યા છે. ભુજ એરપોર્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રીનું આગમન થતાં જ વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ, ભાજપના અગ્રણી નેતાઓ અને સ્થાનિક કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સરહદી ચોકી 'G7' નું ઉદ્ઘાટન અને જવાનો સાથે સીધો સંવાદ
પોતાના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, ગૃહમંત્રી અમિત શાહ આજે કચ્છ સરહદે આવેલી મહત્વની સીમા ચોકી G7 (Border Outpost G7) નું વિધિવત ઉદ્ઘાટન કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ૨૪ કલાક દેશની સીમાઓનું રક્ષણ કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ના બહાદુર જવાનો સાથે સીધો સંવાદ કરશે અને તેમની ઉત્સાહવર્ધના કરશે.
'હરામી નાલા' અને એડવાન્સ કંટ્રોલ સિસ્ટમની પ્રત્યક્ષ મુલાકાત
કચ્છની અત્યંત સંવેદનશીલ ક્રીક સરહદ પર સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે ગૃહમંત્રી ખાસ હાઇ-ટેક લોકેશન્સની મુલાકાત લેવાના છે. તેઓ એડવાન્સ કંટ્રોલ સિસ્ટમ ઓપી ટાવર 1170 ની મુલાકાત લઈને આધુનિક ડિજિટલ સર્વેલન્સ સિસ્ટમની કામગીરી નિહાળશે. આંતરરાષ્ટ્રીય સરહદે ઘૂસણખોરીની દ્રષ્ટિએ સૌથી પડકારજનક ગણાતા 'હરામી નાલા' વિસ્તારની રૂબરૂ મુલાકાત લઈને પશ્ચિમી સરહદની સુરક્ષા તૈયારીઓનો આખરી તાગ મેળવશે.
સુરક્ષાનો નવો રોડમેપ:કેન્દ્રીય ગૃહમંત્રીનો આ પ્રવાસ એ સ્પષ્ટ સંકેત આપે છે કે કેન્દ્ર સરકાર પાકિસ્તાન સરહદે કોઈપણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી. જમીનની સાથે-સાથે ક્રીક તેમજ દરિયાઈ સરહદ પર પણ સુરક્ષાનું એવું કડક કવચ તૈયાર થઈ રહ્યું છે જેને ભેદવું દુશ્મનો માટે અશક્ય બની જશે.
