કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે IFFCOના નવા 'બીજ સંશોધન કેન્દ્ર'નો કર્યો શિલાન્યાસ
Live TV
-
કલોલ ખાતે આવેલી ઇફકો (IFFCO) સંસ્થાએ આજે તેની 50 વર્ષની સફળ યાત્રા પૂર્ણ કરી છે. ત્યારે IFFCOના કલોલ એકમ ખાતે ઇફકોના માતૃ એકમની સુવર્ણ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે નવા બીજ સંશોધન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે IFFCO-કલોલની સુવર્ણ જયંતિની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે IFFCO ની 50 વર્ષની ભવ્ય યાત્રા કૃષિ, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિ માટે સમર્પિત રહી છે. IFFCO એ ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે એક ખાસ પહેલ કરી છે, જેમાં ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે અને સહકારી સંસ્થાઓને ખાતર સાથે જોડીને એક ખાસ પહેલ કરવામાં આવી છે. પરિણામે, આજે ખેતી સમૃદ્ધ બની છે અને ખેડૂતો આત્મનિર્ભર બન્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા, IFFCO દ્વારા વિકસિત સોલિડ યુરિયા અને DAP (ડાય-એમોનિયમ ફોસ્ફેટ) ના ઉત્પાદન દ્વારા કૃષિ ક્ષેત્રમાં મોટી ક્રાંતિ આવી હતી, પરંતુ આજે, સમય અનુસાર સંશોધન અને વિકાસ (R&D) પર ભાર મૂકીને, IFFCO એ નેનો યુરિયા અને નેનો DAP વિકસાવ્યા છે, જેના કારણે ભારતના સહકારી ક્ષેત્રને સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત બનાવ્યું છે. તેમણે કહ્યું કે IFFCO એ ખેડૂતોની પહોંચ તેમના ખેતરો સુધી વધારી છે અને પ્રયોગશાળા પ્રયોગોને જમીન એટલે કે ખેતરોમાં લાવવાની પહેલ કરી છે.તેમણે કહ્યું કે સહકારી ક્ષેત્ર હોવા છતાં, IFFCO એ કાર્યક્ષમ પરિણામો પ્રાપ્ત કરવા માટે કોર્પોરેટ ક્ષેત્રની જેમ કામ કર્યું છે. એટલા માટે આજે પણ IFFCO દેશભરમાં સહકારી ક્ષેત્રમાં ટોચનું સ્થાન ધરાવે છે.