કેરીના રસિયા બન્યા અમેરિકનો, સિએટલના સ્ટોર્સમાં કેરી ખરીદવા લાઈનો લાગી
Live TV
-
ભારતીય કેરીના રસિયાઓ માટે અમેરિકાથી એક શાનદાર સમાચાર આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ હવે અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટના બજારોમાં ભારતીય કેરીઓએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. સ્થાનિક રિટેલર્સ, વિતરકો અને ગ્રાહકો સાથેના એક વર્ષ લાંબા સઘન પ્રયાસો બાદ સિએટલના અગ્રણી સ્ટોર્સમાં ભારતની પ્રખ્યાત કેરીઓનો સ્ટોક પહોંચવા લાગ્યો છે.
ભારતીય કેરીના રસિયાઓ માટે અમેરિકાથી એક શાનદાર સમાચાર આવ્યા છે. લાંબા સમયની રાહ જોયા બાદ હવે અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટના બજારોમાં ભારતીય કેરીઓએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. સ્થાનિક રિટેલર્સ, વિતરકો અને ગ્રાહકો સાથેના એક વર્ષ લાંબા સઘન પ્રયાસો બાદ સિએટલના અગ્રણી સ્ટોર્સમાં ભારતની પ્રખ્યાત કેરીઓનો સ્ટોક પહોંચવા લાગ્યો છે. આ સફળતાની સત્તાવાર જાહેરાત અમેરિકાની પ્રખ્યાત ન્યૂઝ ચેનલ 'ફોક્સ 13 ન્યૂઝ'ના ખાસ શો “ગુડ ડે સિએટલ” માં કરવામાં આવી હતી. આ શોમાં સિએટલ ખાતેના ભારતના કોન્સ્યુલ જનરલ પ્રકાશ ગુપ્તાએ ખાસ હાજરી આપીને કેસર અને અલ્ફોન્સો (હાફુસ) કેરીના આગમનની માહિતી આપી હતી.
ટીવી શો દરમિયાન ભારતીય રાજદ્વારી પ્રકાશ ગુપ્તાએ રસપ્રદ કિસ્સો શેર કરતા જણાવ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે 'મેંગો ડિપ્લોમેસી' (કેરીની રાજદ્વારી ગણતરી) વર્ષ ૨૦૦૬થી શરૂ થઈ હતી. જ્યારે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યુ. બુશે ૨૦૦૬માં ભારતની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે અલ્ફોન્સો કેરીનો સ્વાદ ચાખ્યો હતો. કેરી ખાધા પછી તેમના મોંમાંથી શબ્દો નીકળ્યા હતા, 'વોટ અ હેલ ઓફ અ ફ્રૂટ!' (કેવું અદ્ભુત ફળ છે!) બસ, ત્યારથી જ અમેરિકામાં ભારતીય કેરીઓના આગમનનો નવો અધ્યાય શરૂ થયો હતો. તેમણે ઉમેર્યું કે, "ભારતીય કેરીઓ ઘણી બધી બાબતોમાં ખાસ છે. તે ભારતમાં ઉનાળાની શરૂઆતની પ્રતીક છે અને આપણી નાનપણની યાદો આ ફળ સાથે જોડાયેલી છે. ભારતમાં પરિવારો કેરી ખાતા ખાતા એકબીજાની વધુ નજીક આવે છે."
કોસ્ટકો જેવા મોટા સ્ટોર્સમાં મળશે ભારતીય કેરી
ફોક્સ 13ના એન્કર સીન ચીને સ્વીકાર્યું હતું કે ભારત વિશ્વમાં કેરીનું સૌથી મોટું ઉત્પાદક છે, પરંતુ પશ્ચિમ વોશિંગ્ટનમાં અત્યાર સુધી અસલી ભારતીય કેરી મેળવવી ખૂબ જ મુશ્કેલ હતી. આ મુશ્કેલીને દૂર કરવા માટે સિએટલ સ્થિત ભારતીય દૂતાવાસે ગયા વર્ષે એક મેગા મેંગો પ્રમોશન ઈવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં સ્થાનિક અમેરિકનો અને વિતરકોને ભારતીય કેરીની ૪ જાતોનો સ્વાદ ચખાડવામાં આવ્યો હતો. આ આઉટરીચ બાદ અમેરિકાની મોટી ગ્રોસરી ચેઈન અને ડિલિવરી પ્લેટફોર્મ્સ સાથે ટાઈ-અપ કરવામાં આવ્યું.
આ રવિવારથી ક્યાં-ક્યાં મળશે કેરી?
સિએટલ, કિર્કલેન્ડ અને રેડમંડ સ્થિત પ્રખ્યાત Costcoઆઉટલેટ્સ પરથી કેસર અને હાફસ કેરી મળશે
ટીવી ચેનલ પર અપાઈ 'કેરી ખાવાની ટ્રેનિંગ'!
આ લાઈવ ટીવી સેગમેન્ટ દરમિયાન ભારતીય રાજદ્વારીએ અમેરિકન એન્કર અને દર્શકોને ભારતીય કેરી ખાવાની રીતો પણ સમજાવી હતી. તેમણે રમૂજી અને રસપ્રદ અંદાજમાં જણાવ્યું કે ભારતની કેટલીક સ્થાનિક કેરીની જાતો એવી છે જેને 'ચૂસીને' ખાવાની મજા આવે છે, જ્યારે કેસર અને અલ્ફોન્સો જેવી પ્રીમિયમ જાતોને ચમચી વડે સ્કૂપ કરીને ખાવાની શ્રેષ્ઠ રીત છે. આ સમાચાર સામે આવ્યા બાદ અમેરિકામાં વસતા લાખો ભારતીયોમાં વતનની કેરીનો સ્વાદ માણવા માટે ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
