ખરીફ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે પાકોની ખરીદી
Live TV
-
ખેડૂતોને તેઓના ઉત્પાદનના પૂરતા અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ માર્કેટીંગ સીઝન 2026-27 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ડાંગર, મકાઈ, બાજરી, જુવાર અને રાગીની સીધી ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો પાસેથી આ પાકોની સીધી ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે.
ભારત સરકાર દ્વારા આ ખરીફ સીઝન માટે વિવિધ પાકોના લઘુતમ ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ નિયત કરવામાં આવ્યા છે. જે મુજબ ડાંગર (કોમન) માટે રૂ. 2441, ડાંગર (ગ્રેડ-એ) માટે રૂ. 2461 અને મકાઈ માટે રૂ. 2410 નો ભાવ નક્કી કરાયો છે. આ ઉપરાંત બાજરી માટે રૂ. 2900, જુવાર (હાઈબ્રીડ) માટે રૂ. 4023, જુવાર (માલદંડી) માટે રૂ. 4073 અને રાગી માટે રૂ. ૫૨૦૫ નો ભાવ નિયત કરાયો છે. નોંધનીય છે કે, બાજરી, જુવાર અને રાગીના વેચાણ પર ખેડૂતોને ટેકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ રૂ. 300 નું વધારાનું બોનસ પણ ચૂકવવામાં આવશે.
રાજ્યમાં લઘુતમ ટેકાના ભાવે પોતાનો પાક વેચવા ઇચ્છતા ખેડૂતો સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયતના VCE મારફતે તા.02/10/2026 થી 31/10/2026 સુધી ઓનલાઇન નોંધણી કરી શકાશે. ઓનલાઇન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, આ પાકોની પ્રત્યક્ષ ખરીદી તા.16/11/2026 થી 15/01/2027 સુધીના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. આ સાથે ખેડૂત ખાતેદારોની નોંધણી બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ કરવામાં આવશે.
નોંધણી કરાવવા જતા ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8/અ, બેંક ખાતાની વિગત દર્શાવતી પાસબૂકની નકલ અથવા કેન્સલ ચેકનો સાથે રાખવી. જો 7/12 કે 8/અ માં પાકની વાવણી અંગેની નોંધ ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો દાખલો રજૂ કરવાનો રહેશે. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને પાક ખરીદી અંગેની તારીખ અને અન્ય જાણકારી SMS મારફતે આપવામાં આવશે. ખરીદી સમયે પણ ખેડૂતે પોતાનું આધારકાર્ડ કે મૂળ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે અને બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થાની ખરીદી કરવામાં આવશે.
નોંધણી બાબતે કે અન્ય કોઈ મુશ્કેલી જણાય અથવા વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર - 8511171718 તથા 8511171719 પર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજર, નર્મદાની એક યાદીમાં જણાવાયું છે.
