ગાંધીનગરના કલ્ચરલ ફોરમના ગરબામાં ખેલૈયાઓએ રંગ જમાવ્યો
Live TV
-
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં ચોથા દિવસે ખેલૈયાઓએ ભારે રંગ જમાવ્યો હતો. ઉત્તર ગુજરાતના લોકપ્રિય ગાયિકા અભિતા પટેલ અને સાથી કલાકારોએ ગુજરાતી પ્રાચીન પરંપરાગત ગરબાને ગામઠી સ્વરે મઢીને ધૂમ મચાવી હતી.
ખેલૈયાઓ એક પળનો પણ વિલંબ દાખવ્યા વિના ગરબામાં જોડાઈ જઈને નવરાત્રીની હરપળે માણી રહ્યા છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ ' માં ને અરજ, આપણા નગરની ' ના ભાવ સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. નગર અને નગરજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે.
મધરાત્રિના બાર વાગ્યા પછી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં મંડળી ગરબાની રમઝટ જામે છે મંડળી ગરબા એ આપણા પ્રાચીન-પરંપરાગત ગરબાનું આધુનિક સ્વરૂપ માત્ર છે. વર્ષો પહેલાં, જ્યારે માઇક્રોફોન- લાઉડ સ્પીકર કે ધ્વનિ વધારતાં માધ્યમોનો આવિષ્કાર નો'તો થયો તે પહેલાના સમયમાં ગુજરાતના ગામે ગામ અને ગલીએ ગલીમાં આ જ રીતે ઢોલી અને શરણાઈવાળા મધ્યમાં બેસતા, સાથે ગાયકો પણ બેસતા-ગરબા ગાતા અને ગરબે રમનારાઓ ઝીલતા.
આજે મંડળી ગરબામાં ફરીથી એ જ પરંપરા જીવંત થયેલી જણાય છે. આજના યુવાનોને પણ આપણું 'મૂળ' આકર્ષી રહ્યું છે ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આપણી પરંપરા અને પરિવર્તનનો અજબ-ગજબનો સુમેળ જોવા મળી રહ્યો છે. કલ્ચરલના ગરબામાં મંડળી ગરબાની મોજ માણવી એ ખરેખર લ્હાવો છે.
