ગાંધીનગરમાં ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રાજ્યપાલે પશુપાલકો-ખેડૂતોને આપ્યું માર્ગદર્શન
Live TV
-
ગુજરાતના ગાંધીનગર જિલ્લાના સરઢવ ગામની પાવન ભૂમિ પર નિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કૃષિ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતાં. આ દરમિયાન રાજ્યપાલે સમગ્ર ગામજનોને શુભેચ્છા પાઠવીને પશુપાલકો અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, 'ભારત દેશ સંતો, મહાત્માઓ, ઋષિ-મુનિઓ અને તપસ્વીઓની ભૂમિ રહી છે. આ ભૂમિ આધ્યાત્મિક જાગૃતિ, સહિષ્ણુતા, ભાઈચારો અને સાંસ્કૃતિક મૂલ્યોની પરંપરાનું પ્રતિક રહી છે. ગુજરાત સહિત સમગ્ર ભારતે સદૈવ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક અને માનવીય દિશામાં માર્ગદર્શન આપ્યું છે.'
આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું કે, 'વેદોમાં કહેવામાં આવ્યું છે, પરમાત્મા એક છે, પરંતુ આપણે વિવિધ રૂપ અને નામથી પૂજતા હોઈએ છીએ. એ ભારતની વિશેષતા છે કે, અહીં માત્ર દેવી-દેવતાઓ જ નહીં પરંતુ દરેક જીવજંતુ, નદીઓ, વૃક્ષો અને પ્રાણીઓમાં પણ દિવ્યતાનું અસ્તિત્વ માનવામાં આવે છે.'
પશુપાલકો અને ખેડૂતોને પોતાના પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગેના અનુભવો જણાવતાં આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, 'હું પોતે પણ ખેડૂત છે અને આજે પણ મે પ્રાકૃતિક ખેતી તથા ગૌપાલનની જીવન શૈલી અપનાવી છે. ઘણા ખેડૂતોમાં ગેરસમજણ છે કે, પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું થાય છે, એ ખોટી માન્યતા છે.
રાજ્યપાલએ સૌ ગામજનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા, પોતાની જમીન તથા પરિવારને સુરક્ષિત બનાવવા અને આવનારી પેઢી માટે એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું. તેમણે ઉપસ્થિત શ્રદ્ધાળુઓને અપીલ કરી કે તેઓ ગોગા મહારાજના ચરણોમાં સંકલ્પ લે કે, તેઓ હવે પ્રાકૃતિક ખેતી અપનાવશે, એક દેશી ગાય રાખશે. આજના સમયમાં સૌથી મોટી મૂડી છે સંસ્કારવાન સંતાન. જો બાળકોને યોગ્ય શિક્ષણ, સદવિચાર અને પોષણ મળશે તો તેઓ દેશ માટે અમુલ્ય સંપત્તિ સાબિત થશે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરે ગ્રામવાસીઓને ગોગા મહારાજ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબહેન પટેલ, પૂર્વ સહકારી મંત્રી વાડીભાઈ પટેલ, સરઢવ ગ્રામ પંચાયતના સરપંચ કિરીટભાઈ પટેલ, ધર્મ ગુરુ ગાદી, ટીંટોડાના મહંત લખીરામજી બાપુ, ગોગાધામ સરઢવના લાલજીભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.