ગાંધીનગરમાં દ્વિ દિવસીય હોમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો, સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો
ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકો, સંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી કાઉન્સીલના ઉપક્રમે ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. દેશભરના રાજ્યોના હોમીયોપેથી સાથે સંકળાયેલા તબીબો, છાત્રો અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓ-સંગઠનો આ કોન્ફરન્સમાં સહભાગી થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થકેરને મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ ગણવાતા સ્પષ્ટપણે જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશમાં હોલીસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ ઉભું થયું છે. આના પરિણામે ટેડિશનલ મેડિસીન પ્રત્યેનું મહત્વ અને આકર્ષણ વધ્યાં છે.
મુખ્યમંત્રીએ આ અવસરે હોમીયોપેથીના પાયાની રચના કરનારા અને માનવસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ડો.સેમ્યુઅલ હેનિમેનને ભાવાંજલી આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે અધ્યયન, અધ્યાપન અને અનુસંધાનની થીમ સાથે આયોજીત આ સંમેલન હોમીયોપેથીના વ્યાપ વિસ્તરણમાં મહત્વપૂર્ણ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે સસ્ટેનેબલ હોમીયોપેથી હેલ્થકેર એપ્રોચ ધરાવતી હોમીયોપેથી સહિતની ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિઓને પહેલાં ક્યારેય મહત્વ મળ્યું ન હતું. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર અલાયદું આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને આયુર્વેદ, યુનાની, નેચરોપેથી અને હોમીયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણ, સંશોધન અને પ્રચારને મહત્વ આપ્યું છે.
નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલોમાં અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં હોમીયોપેથીમાં ક્વોલિટી એજ્યુકેશન માટે હોમીયોપેથી સેન્ટ્રલ કાઉન્સીલ એક્ટમાં બદલાવ પણ પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં થયો છે એમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ આયુષમંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં બદલાવો આવ્યાં છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે જામનગરમાં PM નરેન્દ્રની પ્રેરણાથી WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો નવો માઇલસ્ટોન છે. તેમણે ગુજરાતમાં આ અલ્ટરનેટીવ સારવાર પદ્ધતિને અપાઇ રહેલા મહત્વની વિગતો આપતાં કહ્યું કે દેશભરના રાજ્યોમાં ગુજરાત 48 હોમીયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે.
કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી પ્રતાપરાવ જાધવે વિશ્વ હોમિયોપેથી દિવસની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નક્શા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) ના સંયુક્ત ઉપક્રમે તા. 10- 11 એપ્રિલ, 2025ના રોજ ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું કે, આપણે સૌએ ભારતની હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ ઉપર ગર્વ અનુભવવો જોઈએ. કેન્દ્રીય હોમિયોપેથી અનુસંધાન પરિષદે ઔષધી વનસ્પતિઓને ઉગાડવા તરફ આગેકૂચ કરી છે. પરિષદે 368 દવાઓ ઉપર ફાર્માકોગ્નોસી અઘ્યયન કર્યું છે, 362 દવાઓ ઉપર ભૌતિક અને રાસાયણિક અઘ્યયન અને 151 ઔષધિઓ ઉપર અઘ્યયન કર્યું છે. જેના ભાગરૂપે તમિલનાડુના ઉટીમાં કેન્દ્રીય અનુસંધાન સંસ્થામાં 17 હજારથી વધુ હરબેરિયમ શીટ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ શીટનું ડિઝિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે આવનાર ભવિષ્યમાં વનસ્પતિ જ્ઞાનને વધુ સંરક્ષિત કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 10મા વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન રહ્યું છે. આજના સમયમાં એલોપથીની જેમ જ હોમિયોપેથીનું પણ મહત્વ વધતું જાય છે હોમિયોપથીમાં દર્દી સાથે આત્મીયતા રાખીને તેમની દિનચર્યાના આધારે ઈલાજ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર માટે અનેકવિધ નિર્ણય કરવામાં આવ્યા છે. PM નરેન્દ્રભાઈ મોદીએ આયુષ મંત્રાલયની રચના કરીને આરોગ્ય ક્ષેત્રમાં સારવારની નવી તકો ઉભી કરી છે. હોમિયોપથી સેક્ટરમાં નવીન સંશોધન કરીને આપણે વધુ સારી અને સચોટ સારવાર આપી શકીએ તેમ, મંત્રી એ ઉમેર્યું હતું.
તેમણે કહ્યું કે,દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ 48 હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. હાલમાં 4360 અંડર ગ્રેજયુએટ અને 322 પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે. હાલમાં અંદાજે 15 લાખ જેટલા દર્દીઓ હોમીઓપેથી ચિકિત્સાનો લાભ લઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે. મંત્રી પટેલ કહ્યું હતું કે, રાજ્યના સરકારી હોમિયોપેથી કોલેજમાં ચર્મરોગ, શ્વસનતંત્ર, સાંધા, સ્ત્રીરોગ વગેરે 11 પ્રકારની સ્પેશિયાલિટી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધપુર ખાતેની સરકારી હોમિયોપેથી કોલેજ અને તેની હાલની 25 બેડની હોસ્પિટલને આગામી 100 બેડ સુધી વિસ્તારમાં આવશે. આયુષ અંતગર્ત આર્યુવેદ, હોમિયોપેથી વગેરેના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ સહયોગ કરવા કટિબદ્ધ તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.
આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કે, બે શતાબ્દી કરતા વધુ સમયથી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ દ્વારા સચોટ ઇલાજ કરવામાં આવી રહ્યો છે. હોમિયોપેથીના જનકનો જન્મ જર્મનીમાં થયો છે પરંતુ આ ક્ષેત્રમાં સૌથી વધુ કામ ભારતમાં થઈ રહ્યું છે. આ પદ્ધતિમાં નવીન સંશોધન માટે રાષ્ટ્રીય કક્ષાએ અનેક કોલેજોમાં નવા નવા સંશોધન થઈ રહ્યા છે. કોટેચાએ ગુજરાતમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આયોજિત સંમેલનના સફળ આયોજન બદલ ગુજરાત સરકારનો આભાર માની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપથીના મહાનિર્દેશક ડૉ. સુભાષ કૌશિકે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત રીતે તા. 10- 11 એપ્રિલ, 2025ના જે સંમેલન યોજવામાં આવી રહ્યું છે તે હોમિયોપેથીના ક્ષેત્રમાં એક મજબૂત નીવ છે.