ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’પર નેશનલ કોન્ફરન્સમાં પેનલ ચર્ચા યોજાઈ
Live TV
-
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલી ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ નેશનલ કોન્ફરન્સમાં ‘રેવન્યુ કોર્ટ કેસ’ અને ‘લેન્ડ એક્વિઝિશન’ પર વરિષ્ઠ અધિકારીઓની પેનલ ચર્ચા યોજાઈ. પેનલમાં મહેસૂલી પ્રક્રિયાઓમાં ઝડપ, પારદર્શિતા અને ડિજિટલ ટેકનોલોજી ઉપયોગ પર ભાર મૂકાયો. ઉદ્દેશ્ય એ હતું કે કેસ નિકાલ ઝડપી અને નાગરિક-કેન્દ્રિત બને, સાથે જ અરજદારો અને અધિકારીઓ બંનેનો સમય બચે. ઇન્ટિગ્રેટેડ રેવન્યુ સિસ્ટમ, iORA, AnyRoR QR કોડ અને વર્ચ્યુઅલ સુનાવણીઓ જેવી પહેલો પર વિશેષ ચર્ચા કરવામાં આવી.
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ચાલી રહેલી ‘જમીન વહીવટ અને આપત્તિ વ્યવસ્થાપન’ પરની નેશનલ કોન્ફરન્સના બીજા દિવસે વિવિધ વિષયો પર રસપ્રદ પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું. સવારના સત્રમાં ‘રેવન્યુ કોર્ટ કેસ: પ્રોસેસ રી-એન્જિનિયરિંગ’ અને ‘રિસર્વ એફર્ટસ અને લેન્ડ એક્વિઝિશન’ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વરિષ્ઠ અધિકારીઓની પેનલ દ્વારા માહિતીસભર ચર્ચા કરવામાં આવી.
ભારત સરકારના જમીન સંસાધન વિભાગના સચિવ મનોજ જોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં મહેસૂલ વિભાગની રેવન્યુ સાથે સંબંધિત મોટાભાગની માહિતી ઓનલાઇન ઉપલબ્ધ હોવાથી કોર્ટ કેસ દરમિયાન અરજદાર અને તંત્ર બંનેનો સમય બચી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, મહેસૂલ વિભાગમાં સૌથી વધુ જમીનના વારસા, જમીનની હદ અને જૂના સુધારણા કેસ જોવા મળે છે, જે લાંબા સમય સુધી પેન્ડિંગ રહેતા હોય છે. આથી, રેવન્યુ કોર્ટ કેસોને ઝડપી અને પારદર્શક રીતે નિકાલ કરવાના માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
ચર્ચામાં ભાગ લેતા ડૉ. જયંતિ એસ. રવિએ મહેસૂલી કેસોની વધતી સંખ્યા અને લંબાઈના કારણે થતા નાણાકીય, સામાજિક અને આર્થિક નુકસાન પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ મહત્વપૂર્ણ છે, પરંતુ અત્યારેની જટિલ પ્રક્રિયાઓને સુધારવા માટે પ્રોસેસ રી-એન્જિનિયરિંગ કરવું જરૂરી છે. મહેસૂલી કર્મચારીઓ ચૂંટણીઓ અને વિવિધ આપત્તિઓને મેનેજ કરતા હોવાથી પ્રક્રિયામાં વિલંબ થાય છે, તેથી સર્વિસ ડિલિવરી અભિગમ અપનાવવા, સંપૂર્ણ પ્રોસેસ ડિજિટલ બનાવવા અને લીગલ તાલીમ આપવાની જરૂરિયાત હોવાનું તેમણે જણાવ્યું.
ગુજરાતના મહેસૂલ નિરીક્ષણ કમિશનર રાજેશ માંજુએ જણાવ્યું કે, અરજદારોને ઓનલાઇન માહિતી હોવા છતાં ઘણીવાર પ્રાંત કચેરી અથવા મામલતદાર કચેરીમાં જવા પડે છે. તેમણે જિલ્લા કલેક્ટર અને NIC સાથે મળી ડિજિટલ સિસ્ટમ તૈયાર કરવાની જરૂરિયાત દર્શાવી, જેથી અરજદાર પોતાના કેસની સ્થિતિ જોઈ શકે અને અધિકારીનો સમય પણ બચી શકે.
એસ.એસ.આર.ડી. રાજેશ મહેતાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોકચેન અને સ્માર્ટ ટેક્નોલોજી જેવી અદ્યતન ટેકનોલોજીઓનો ઉપયોગ કરીને ઝડપી અને પારદર્શક કેસ નિકાલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. તેમણે ઇન્ટિગ્રેટેડ રેવન્યુ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ, AnyRoR QR કોડ, iORA અને વર્ચ્યુઅલ સુનાવણીઓ જેવી પહેલો વિશે વિસ્તૃત માહિતી આપી.
વડોદરા કલેક્ટર ડૉ. અનિલ ધામેલિયાએ રેવન્યુ કોર્ટ-2025 અને રેગ્યુલર રેવન્યુ કોર્ટના કેસ પ્રકાર, પરિણામ અને નિકાલ કરાયેલા કેસોની વિગતો રજૂ કરી. એન.આઈ.સી. ડી.ડી.જી. સંજય પાંડેયે રેવન્યુ કોર્ટ કમ્પ્યુટરાઇઝ્ડ મેનેજમેન્ટ સિસ્ટમ (RCCMS), ડેટા એનાલિટિક્સ, બ્લોકચેન અને લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) વિશે માહિતી આપી. હિમાચલ પ્રદેશ લેન્ડ રેકોર્ડ્સ નિર્માતા શ્રી અભિષેક વર્માએ હિમાચલની RMS પોર્ટલ અને મહેસૂલી પ્રક્રિયાઓ પર વિસ્તૃત ચર્ચા કરી.
આ નેશનલ કોન્ફરન્સ દ્વારા મહેસૂલી પ્રક્રિયાઓમાં ઝડપી, પારદર્શક અને નાગરિક-કેન્દ્રિત દૃષ્ટિકોણ અપનાવવા માટે જરૂરી પગલાં અને ટેક્નોલોજી ઉપયોગ અંગે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શિકા પ્રદાન કરવામાં આવી.
