ગાંધીનગરમાં GCAS પોર્ટલ એડમિશન પ્રક્રિયા અંગે સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
Live TV
-
15 એપ્રિલ સુધીમાં તમામ સરકારી યુનિવર્સિટીને GCAS સંદર્ભેની બાકીની કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી.
ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિઝ) એડમિશન પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયા, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર તથા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર ઉપસ્થિત રહ્યા.
ગુજરાત બોર્ડ ધોરણ-12ના પરિણામ પછી શૈક્ષણિક વર્ષ 2025-26 માટે GCAS પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ થવાની છે. આ અગાઉ યોજાયેલી બેઠકમાં ગયા વર્ષે સામે આવેલી ત્રુટિઓ તથા પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણોના આધારે આયોજનની સમીક્ષા કરવામાં આવી. મંત્રીએ વિસ્તૃત રીતે તમામ યુનિવર્સિટીઓને સૂચના આપી કે GCAS પોર્ટલ મારફતે કૉલેજ એડમિશનમાં કોઈ પણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તે માટે પૂરતી આયોજનાત્મક વ્યવસ્થા હાથ ધરાય. રાજ્યભરમાં અંદાજે 1838 ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર્સ અને 1796 વેરિફિકેશન સેન્ટર્સ કાર્યરત કરાશે.
મંત્રીએ 15 એપ્રિલ, 2025 સુધીમાં બાકી રહી ગયેલી તમામ GCAS સંલગ્ન કામગીરી પૂર્ણ કરવાની તાકીદ પણ કરી. ઉપરાંત, માહિતી મેળવવા, પ્રશ્નો માટે રાજ્ય અને યુનિવર્સિટી સ્તરે હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષથી શરૂ થયેલા GCAS પોર્ટલ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 4.55 લાખ વિદ્યાર્થીઓએ એડમિશન મેળવી ચૂક્યા છે. GCAS પોર્ટલ રાજ્યના વિદ્યાર્થીઓ માટે એક વન સ્ટોપ સોલ્યુશન તરીકે કાર્ય કરે છે.