ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 'સખી સંવાદ' કાર્યક્રમ યોજાયો. સમારોહમાં 28 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2 લાખ 80 હજારથી વધુ મહિલાઓને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ માટે રૂપિયા 350 કરોડની સહાયનું વિતરણ કર્યું. રાજ્યભરની સ્વ-સહાય જૂથની મહિલાઓ દ્વારા ઉત્પાદિત કરેલી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન પ્રદર્શન યોજાયું હતું. રાજ્યના તમામ 33 જિલ્લાના વિવિધ સ્ટોલનું પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનો મહાનુભાવો, ડેલિગેટ્સ તેમજ રાજ્યભરમાંથી આવેલી બહેનોએ વિવિધ ઉત્પાદન ખરીદીનો ઉત્સાહભેર લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારમાં મહિલાઓને સંગઠિત કરી તેમને કૌશલ્ય તાલીમ આપી વિવિધ આજીવિકા પ્રવૃત્તિઓ સાથે જોડી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. રાજ્ય સરકારની વિવિધ મહિલા સશક્તીકરણની યોજના થકી આજે ગુજરાતની ગૃહિણીઓ- ગ્રામીણ કક્ષાની બહેનો પોતાની કલા- કૌશલ્ય નિખારી તેમાંથી રોજગારી- આવક રળીને સન્માનભેર પગભર બની છે.
ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપનીના સહયોગ થકી ભરત ગુંથણ, સિવણ, કેટરીંગ, પાપડ, અથાણાં, ખાખરા, રાગી- બાજરી- મીલેટની કુકીઝ,માટી કલાકામ, દોરી વર્ક, જડતર વગેરે જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓ મહીને નિશ્ચિત આવક મેળવી વધુને વધુ આત્મનિર્ભર બની છે, જેના પરિણામે તેમના જીવન ધોરણમાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.
આ પ્રસંગે, સ્વસહાય જૂથોની બહેનોની પ્રોડક્ટ્સના સ્ટોલ્સની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી અને વિવિધ પ્રોડક્ટ્સની ખૂબીઓ અંગે, તેમજ બહેનોને તેનાથી મળતા લાભ અંગે જાણકારી મેળવી.
સ્વસહાય જૂથની મહિલાઓ તેમની પ્રોડક્ટ્સનું સીધુ વેચાણ કરી શકે તે માટે રાજ્ય સરકાર સરસ મેળાનું આયોજન કરે છે. આ સરસ મેળામાં ભાગ લેવા માટેની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના ભાગરૂપે આજે સમૃદ્ધ સરસ મેળાના પોર્ટલનું પણ મુખ્યમંત્રીએ લૉન્ચિંગ કર્યું. મુખ્યમંત્રીએ કહ્યું મને પૂર્ણ વિશ્વાસ છે કે આજનો કાર્યક્રમ ગુજરાતની સખીમંડળની બહેનોની પ્રગતિને નવો વેગ આપશે. સાથે જ, આત્મનિર્ભર નારીશક્તિથી આત્મનિર્ભર ગુજરાત બનાવવામાં નિર્ણાયક બની રહેશે.
આ ઉપરાંત રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત 2.0 અભિયાન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા નિર્મળ ગુજરાત 2.0 પોર્ટલનો પણ શુભારંભ કરાયો.
