ગાંધીનગર : ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા બાળકો માટે નિઃશુલ્ક આર્ટ એન્ડ ક્રાફ્ટ સમર કેમ્પનું આયોજન કરાયું
Live TV
-
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સેન્ટર ઓફ ટોય સાયન્સના બાલભવન વિભાગ દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મકતા ખીલી ઉઠે તે માટે છ દિવસીય આર્ટ એન્ડ ક્રાફ્ટ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિઃશુલ્ક સમર કેમ્પમાં ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં બાળકોને ચિત્રકલા, ક્રાફ્ટ, માટીકામ વગેરે જેવી કલાઓ શીખવવામાં આવી હતી.
બાલભવન દ્વારા આયોજિત આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ સમર કેમ્પમાં બાળકોને ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અનુભવી પ્રશિક્ષકો દ્વારા તાલીમ આપવામાં આવી હતી. સેન્ટર ઓફ ટોય સાયન્સના નિયામક પ્રો. રણજીત પવારે વિદ્યાર્થીઓની કુશળતા તેમજ કલા અને હસ્તકલા પ્રત્યેના જુસ્સાને વધાર્યો હતો. જ્યારે બાલભવન વિભાગના વડા ડૉ. નિમિષ વસોયાએ સમર કેમ્પના સુચારુ અને સફળ અમલીકરણમાં સહકાર પૂરો પાડ્યો હતો. યુનિવર્સિટીમાં ઈલેસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતાં બિપિન સથવારાએ બાળકોને ચિત્રકલા શીખવી હતી.
સમર કેમ્પ અંગે જણાવતાં પ્રો. રણજીત પવારે જણાવ્યું હતું કે, આ સમર કેમ્પનો ઉદ્દેશ્ય બાળકોની સર્જનાત્મકતાને ઉત્તેજન આપવા, કલાત્મક કૌશલ્યો વધારવા અને ઉનાળાની આકરી ગરમીમાં વિદ્યાર્થીઓ માટે આનંદદાયક પ્રવૃત્તિ પ્રદાન કરવાનો હતો.
