ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાત્રી સભા યોજાઈ
Live TV
-
ગ્રામીણ એકતા, સંસ્કાર, ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને પ્રોત્સાહન આપવા રાજ્યપાલનું આહ્વાન
ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ગામના ઐતિહાસિક રામ મંદિર પરિસરમાં રાત્રી સભા યોજાઈ હતી. ગ્રામજનોને સંબોધતા રાજ્યપાલે વાલ્મીકિ રામાયણના વિવિધ પ્રેરણાદાયી પ્રસંગોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી" નો સંદેશ આપી માતૃભૂમિ અને માતા-પિતા પ્રત્યે આદર જાળવવા તથા વૃદ્ધાશ્રમોની જરૂરિયાત ન ઊભી થાય તેવા સંસ્કાર કેળવવા અનુરોધ કર્યો હતો.
દીકરા અને દીકરી વચ્ચેના ભેદભાવને પાપ ગણાવતા રાજ્યપાલે જણાવ્યું કે, વર્તમાન યુગમાં દીકરીઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે, તેથી તેમને સમાન તકો મળવી જોઈએ. શિક્ષણની સાથે બાળકોમાં દેશભક્તિ, વડીલો પ્રત્યે આદર અને વ્યસનમુક્તિ જેવા ગુણો હોવા આવશ્યક છે. તેમણે વાલીઓને પોતાના બાળકો સાથે સમય વિતાવવા અને તેમને ડિજિટલ સ્ક્રીન અને નશાના માર્ગે જતા અટકાવવા અપીલ કરી હતી.
રાજ્યપાલે રાસાયણિક ખાતરના ઉપયોગથી વધતા કેન્સર અને હાર્ટ એટેક જેવા રોગો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતી વચ્ચે મોટો તફાવત છે. દેશી ગાયના છાણ-ગૌમૂત્ર અને અળસિયા પર આધારિત પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ નહિવત થાય છે અને 50% પાણીની બચત થાય છે. માત્ર 50 રૂપિયામાં મળતી આ સિમેનથી ઉચ્ચ દૂધ ઉત્પાદન ક્ષમતા ધરાવતી વાછરડીઓ જ જન્મે છે, જે પશુપાલકો માટે ક્રાંતિકારી સાબિત થઈ શકે છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખટાલે, જિલ્લા વિકાસ અધિકારી ડી. કે. બ્રહ્મભટ્ટ, જિલ્લા પોલીસ અધીક્ષક વાસમસેટ્ટી રવિ તેજા, સરપંચ શિલ્પાબેન પટેલ, પ્રશાસનના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
