ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
તા.9 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી દરમિયાન આ વર્ષ-2025ની સમિટ અને અંદાજે 1 લાખ સ્ક્વેર મીટરમાં વિસ્તરેલા વિશાળ એક્ઝિબિશનનો પ્રારંભ, કેન્દ્રિય શ્રમ-રોજગાર અને યુવા બાબતો તથા રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવીયા, ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી તથા વરિષ્ઠ પાટીદાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સરદારધામ આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પાટીદાર સમાજે ભવિષ્યલક્ષી આયોજનો સાથે વિકાસની હરણફાળ ભરી છે.
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન સમાજની આર્થિક, સામાજિક, ઔદ્યોગિક ક્રાન્તિમાં યુવાશક્તિના સામર્થ્યને ઉજાગર કરતા અવસર તરીકે સરદારધામ દ્વારા ઉજવવામાં આવે છે. આ વર્ષે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભના થોડા દિવસો પહેલાં જ ગાંધીનગરમાં ઉદ્યોગ-વેપારનો મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે વધુમાં કહ્યું કે, વેપાર-ઉદ્યોગની ગુજરાતની ખ્યાતિ અને ક્ષમતાને વિશ્વ સમક્ષ મૂકવાની પહેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2003ના સફળ આયોજનથી નરેન્દ્ર મોદીએ કરી હતી. આ વાયબ્રન્ટ સમિટ આજે ગુજરાતના વિકાસ રોલમોડેલની અને સામાજિક ક્રાન્તિની ઓળખ બની ગઈ છે. એટલું જ નહીં, દેશના અન્ય રાજ્યો પણ આવી સમિટ યોજતા થયા છે.
આવા ઉદ્યોગો માટે પૂરતી વીજળી અને પર્યાપ્ત પાણી જેવી પાયાની જરૂરિયાત રાજ્ય સરકાર પૂરી પાડી રહી છે અને રાજ્યમાં ગ્રીન એનર્જીના ઉત્પાદનથી ઉદ્યોગોને ગ્રીન એનર્જી મળે તે દિશામાં પણ સરકારનું આયોજન છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્સ્પોમાં બધા જ સમાજોની સહભાગિતાની પ્રશંસા કરતાં કહ્યું કે, સરદાર સાહેબનો “એકતાના બળે પ્રગતિ”નો વિચાર અહીં “સૌના સાથ સૌના વિકાસ”ના પ્રધાનમંત્રીશ્રીના મંત્ર સાથે સાકાર થયો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવોએ આ પ્રસંગે સરદાર પટેલ ઈન્ટરનેશનલ બિઝનેસ ઓર્ગેનાઈઝેશન-SPIBOની વેબસાઈટનું લોન્ચિંગ તેમ જ જીપીબીએસ-2026 યુ.એસ.એ.નું પ્રિ-લોન્ચિંગ પણ પ્રેઝન્ટેશન દ્વારા કર્યું હતું. તેમણે સમાજના વિવિધ દાતાઓનું પણ આ તકે સન્માન કર્યું હતું.